ગુજરાતમાં કાલથી ‘ભારત ટેક્સી’ સેવાનો શુભારંભ
- ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે
સીટી ન્યૂઝ@ગાંધીનગર
દેશમાં સહકારી ક્ષેત્રમાં અનેક ક્રાંતિકારી સુધારાઓને લાગુ કરી સહકારી ક્ષેત્ર માટે મલ્ટીલેવલ કામગીરીઓના દ્વાર ખોલવામાં આવ્યા છે. આ પૈકી સૌથી મોટી પહેલ સહકારી ક્ષેત્રે ટેક્સી સેવાની છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે સહકારી મંડળી મારફતે પોતાની માલિકીની ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ ની નવી દિલ્હીમાં લોન્ચ કરી હતી. હવે ૨૭ જૂનને શનિવારે ગુજરાતમાં તેનો વિધિવત શુભારંભ કરવામાં આવી રહ્યો છે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે શનિવારે સવારે ૧૧ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સહકારમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિતભાઈના હસ્તે ભારત ટેક્સી સેવાનો શુભારંભ થશે. ઓલા, ઉબરની જેમ આ ટેક્સી સેવા પણ એપ્લિકેશન આધારિત છે અને એમાં જોડાનાર ડ્રાઈવરને મળતી રકમમાંથી કોઈ કમિશન ફાલ કાપવામાં આવતું નથી. કેન્દ્રીય ગૃહમંત્રી શુક્રવારે રાત્રે અમદાવાદ આવશે અને શનિવારે સવારે મહાત્મા મંદિર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આની સાથે બપોરે ૧૨.૪૫ વાગ્યે સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કક્ષાની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ કમિટી (દિશા)ની બેઠકમાં હાજરી આપશે. ગાંધીનગરના સાંસદ હોવાના નાતે અમિતભાઈ પોતાના મતવિસ્તારના વિકાસ કાર્યો, જનતાના પ્રશ્નો અંગેની બાબતોની સમીક્ષા કરશે. બેઠક પૂરી થયા બાદ સાંજે ૪.૪૫ વાગ્યે સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે હરિયાણા લોકસભા-વૃક્ષારોપણ અભિયાન સંદર્ભે સમીક્ષા બેઠક યોજશે. સાંજે ૬.૩૦ વાગ્યે રાણીપમાં જીએસટી હાઉસ નજીક સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી સાબરમતી વિધાનસભાના રાણીપ અને સાબરમતી વોર્ડને સમાવતા લોકદરબારમાં હાજરી આપશે.