ગુજરાતમાં વ્યાજખોરીની હિંસા, 5000 રૂપિયાની ઉઘરાણીમાં મહિલાને જીવતી સળગાવી
પાટણનો વ્યાજખોરીના દુષણને હ્રદયદ્રાવક કિસ્સો
સિટી ન્યૂઝ@પાટણ
ગુજરાતના પાટણ શહેરમાંથી વ્યાજખોરીના દુષણનો એક અત્યંત હ્રદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટાંકવાડા વિસ્તારમાં માત્ર પાંચ હજાર રૂપિયાના વ્યાજની ઉઘરાણી બાબતે એક નિસહાય મહિલા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી તેને જીવતી સળગાવી દેવાનો ઘાતકી પ્રયાસ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. પાટણના બાલકપુરા મિલવાસ વિસ્તારમાં રહેતી અને લોકોના ઘરે કામકાજ કરીને માંડ-માંડ ગુજરાન ચલાવતી પિંકીબેન ભરતભાઈ પટણીએ પોતાના ઘરખર્ચને પહોંચી વળવા માટે આશરે એક મહિના અગાઉ સ્થાનિક વ્યાજખોર બાબુ રાવળ પાસેથી વ્યાજે પાંચ હજાર રૂપિયા લીધા હતા. બાબુ રાવળ પોતાના નાણાં પરત મેળવવા પિંકીબેનના ઘરે પહોંચ્યો હતો. પિંકીબેને તે સમયે ટાંકવાડા વિસ્તારમાં રહેતા જીતુ પંચાલના ઘરે ગયા હોવાથી બાબુ રાવળ ત્યાં પાછળ-પાછળ પહોંચી ગયો હતો. મહિલાએ તેની સામે લાચારી વ્યક્ત કરીને થોડા દિવસોમાં પૈસાની સગવડ કરીને ચુકવણી આપવાની વિનંતી કરી હતી. હાલમાં પૈસાની સગવડ નથી તેવું સાંભળતા જ વ્યાજખોર બાબુ રાવળ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. જ્વલનશીલ પ્રવાહી પિંકીબેન પર છાંટી દીધું હતું અને દીવાસળી સળગાવી તેના પર ફેંકી દીધી હતી.