હે દ્વારકાધીશ; સૌરાષ્ટ્રની તરસેલી ધરતી પર વરસાદ લાવો, મોંઘવારી હળવી કરો
ખેતરોમાં પાક ઉભો છે, પરંતુ પાકની આંખોમાં પાણી નથી
નાથ તમે ખેડૂતના ખેતરમાં લીલોતરી લાવો અને ગરીબના ઘરમાં ચૂલો શાંતિથી સળગે તેવી સ્થિતિ બનાવો....
જાન કી બાત @ અનિરુદ્ધ નકુમ
સૌરાષ્ટ્રની ધરતી આજે આકાશ સામે મીટ માંડીને બેઠી છે. ખેતરોમાં પાક ઊભો છે, પરંતુ પાકની આંખોમાં પાણી નથી. કૂવા-બોરના તળિયા દેખાવા લાગ્યા છે અને ખેડૂતોના હૈયામાં ચિંતા ઊંડી થતી જાય છે. આકાશ વાદળો તો બતાવે છે, પણ મેઘરાજા મન મૂકીને વરસતા નથી. સૌરાષ્ટ્રમાં વરસાદની અછત એટલી ગંભીર બની છે કે અનેક વિસ્તારોમાં દુકાળ જેવી સ્થિતિ પણ ઉભી થતી હોથ છે. તાજેતરના આંકડા પણ સૌરાષ્ટ્રની વરસાદી અછતની ગંભીરતા દર્શાવે છે.
આ માત્ર ખેડૂતની મુશ્કેલી નથી. વરસાદ ખૂટે એટલે ખેતરમાં પાક ખૂટે, પાક ખૂટે એટલે બજારમાં પુરવઠો ઘટે અને પુરવઠો ઘટે એટલે મોંઘવારીનો માર સામાન્ય માણસ સુધી પહોંચે. એટલે આજે સૌરાષ્ટ્રની સુકાતી ધરતી અને બજારમાં વધતા ભાવ--- બંને એકબીજા સાથે જોડાયેલા પ્રશ્નો છે.
એક તરફ ખેડૂત મગફળી, કપાસ અને અન્ય ખરીફ પાકને બચાવવા આકાશ તરફ જોઈ રહ્યો છે; બીજી તરફ ગૃહિણી રસોડાનું બજેટ કેવી રીતે સંભાળવું તેની ચિંતા કરી રહી છે.
વરસાદની અછતથી ખેતી અને પશુપાલન પર દબાણ વધે તો આવનારા દિવસોમાં ખાદ્યપદાર્થોના ભાવ પર પણ અસર પડી શકે છે. દેશભરમાં વરસાદની અછતને કારણે પાક અને ખાધ પુરવઠા અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.આ સંજોગોમાં જન્માષ્ટમીનો પવિત્ર
તહેવાર સામે છે. કાનુડાની જન્મજંયંતિએ સૌરાષ્ટ્રની પ્રજા આજે એક જ પ્રાર્થના કરે છે.
“હે વરુણદેવ, હવે તો રીઝો! હે કાનુડા, સૌરાષ્ટ્રની ધરતી પર કૃપા વરસાવો. ખેડૂતના ખેતરમાં લીલોતરી લાવો અને ગરીબના ઘરમાં ચૂલો શાંતિથી સળગે તેવી સ્થિતિ બનાવો.” પરંતુ પ્રાર્થનાની સાથે સરકાર અને સમાજની જવાબદારી પણ એટલી જ મોટી છે. વરસાદ ન પડે ત્યારે ખેડૂતોને માત્ર આશ્વાસન નહીં, પરંતુ સમયસર રાહત, પાક નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન,
પાણીની વ્યવસ્થા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા જરૂરી છે. જ્યાં પીવાના પાણીની તંગી ઉભી થવાની શક્યતા હોય ત્યાં આગોતરી વ્યવસ્થા કરવી પડશે. સરકાર દ્વારા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને પાણી પહોંચાડવાના પગલાં લેવાયા છે, પરંતુ પરિસ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી છે.
સાથે સાથે મોંઘવારીના નામે કોઈ વેપારી કૃત્રિમ ભાવવધારો કરે નહીં, સંગ્રહોરી કે કાળાબજારીને સ્થાન ન મળે અને જરૂરી ચીજવસ્તુઓ સામાન્ય માણસને વાજબી ભાવે મળે તે માટે તંત્રએ કડક નજર રાખવી પડશે. સૌરાષ્ટ્ર વરસાદ માંગે છે, દયા નહીં. ખેડૂત રાહ માંગે છે, ઉપકાર નહીં. અને સામાન્ય માણસ મોંઘવારીમાંથી મુક્તિ માગે છે, ખાલી આશ્વાસન નહીં.આ જન્માષ્ટમીના પર્વે દ્વારકાધીશના દ્વારે સૌરાષ્ટ્રની પ્રાર્થના પહોંચે
“હે દ્વારકાધીશ! આ ધરતીને તરસેલી ન રાખો. વરુણદેવને રીઝવશો. મેઘોને સૌરાષ્ટ્ર તરફ વાળશો. ખેડૂતના પાકને બચાવશો અને જનતાના જીવનમાંથી મોંઘવારીનો ભાર હળવો કરશો.” હવે સૌરાષ્ટ્રની નજર આકાશ પર છે. વાદળો માત્ર ઘેરાય નહીં વરસે પણ! અને મેઘરાજા એવા વરસે કે ધરતી તૃપ્ત થાય, ખેડૂત હસે અને જનતાના ચહેરા પર ફરી આશાનો ઉજાસ દેખાય. વરુણદેવ, હવે તો રીઝો! સૌરાષ્ટ્રની ધરતી તમને પોકારી રહી છે.