Loading Please Wait !!!
કોઠારીયા રોડની સોસાયટીના રહેવાસીઓએ અશાંતધારા કાયદાના અમલ માટે કલેક્ટરને આવેદન આપ્યું

કાયદાના ઉલ્લંઘનની તપાસ, ગેરરીતિથી થયેલા મિલકત સોદા સામે કાર્યવાહી અને સોસાયટી રેગ્યુલરાઈઝ કરવાની માંગ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના વોર્ડ નં. ૧૬ વિસ્તારમાં આવેલી ન્યુ કેદારનાથ સોસાયટીના રહેવાસીઓએ બુધવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અશાંતધારા (નોટિફાઇડ એરિયા) કાયદાનો કડક અમલ કરાવવા માંગ કરી છે. પોલીસની પૂર્વ મંજૂરી સાથે શાંતિપૂર્ણ રીતે રજૂઆત આવી હતી. આવેદનમાં જણાવાયું છે કે વિસ્તારમાં લાંબા સમયથી અશાંતધારા કાયદો અમલમાં હોવા છતાં તેનું યોગ્ય પાલન થતું નથી. કાયદો લાગુ થયા બાદ પણ નિયમોના ઉલ્લંઘન કરીને થયેલા મિલકતના વેચાણની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

રહેવાસીઓએ વધુમાં રજૂઆત કરી છે કે કેટલાક વકીલો અને નોટરી દ્વારા ગેરમાર્ગે દોરી અશાંતધારા કાયદાના ભંગ સાથે નોટરી કરવામાં આવતી હોવાના આક્ષેપો છે. આવા કિસ્સાઓમાં યોગ્ય સૂચનાઓ આપી ભવિષ્યમાં ગેરરીતિ અટકાવવા તંત્ર જરૂરી પગલાં ભરે તેવી માંગ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત અંદાજ ૩૫ વર્ષ જૂની ન્યુ કેદારનાથ સોસાયટીને નિયમિત (રેગ્યુલરાઈઝ) કરવા જિલ્લા કલેક્ટર વ્યક્તિગત રસ દાખવી જરૂરી કાર્યવાહી કરે તેવી પણ રહેવાસીઓએ રજૂઆત કરી છે.