વિદ્યાર્થીઓના ન્યાય મુદ્દે લોકસંવાદ વિચાર મંચના ધરણાં
રાજકોટથી ઓસ્ટ્રેલિયા સુધી પ્રતીકાત્મક વિરોધ; શિક્ષણ મંત્રીના રાજીનામા અને વિદ્યાર્થીઓને સહાયની માંગ
સિટી ન્યૂઝ@રાજકોટ
વિદ્યાર્થીઓના ન્યાય, શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા, જવાબદારી અને પરીક્ષા પદ્ધતિમાં સુધારાની માંગ સાથે લોકસંસદ વિચાર મંચ દ્વારા રાજકોટ સહિત વિવિધ સ્થળોએ તેમજ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પ્રતીકાત્મક ધરણાં યોજવામાં આવ્યા હતા. મંચે દાવો કર્યો છે કે રાજકોટમાં શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમો માટે પોલીસ દ્વારા અપનાવવામાં આવતી નીતિ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને લોકશાહી અધિકારોના અમલ અંગે ચર્ચા જરૂરી બની છે.મંચના જણાવ્યા મુજબ ભક્તિનગર સર્કલ ખાતે ધરણાં માટે નિયમ મુજબ મંજૂરી માંગવામાં આવી હતી. જોકે કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં અરજદાર ગજેન્દ્રસિંહ ઝાલા સહિત મંચના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. મંચે આ કાર્યવાહી સામે વિરોધ નોંધાવી પોલીસ દ્વારા અલગ-અલગ કાર્યક્રમોમાં ભેદભાવપૂર્ણ
વલણ અપનાવવામાં આવતું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ શાંતિપૂર્ણ વિરોધના અધિકારને અવરોધવામાં આવતો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ મંચના આગેવાનોએ પોતાના નિવાસસ્થાનો પર પ્રતીકાત્મક શાંતિપૂર્ણ ધરણાં યોજવાનો નિર્ણય કર્યો હતો. ભક્તિનગર વિસ્તારમાં ગજેન્દ્રસિંહ ઝાલાએ પોતાના નિવાસસ્થાને ધરણાં યોજ્યા હતા, જ્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં એડ્વોકેટ ઈન્દુભા રા્ડોળ, દિલીપભાઈ આસવાણી, પ્રવીણભાઈ લાખાણી, જશુબા વાંક, નટુભા ઝાલા, સરલાબેન પાટડીયા, પી. જે. પારેખ સહિતના આગેવાનોએ પણ પોતાના ઘરંગાંગણો શાંતિપૂર્ણ રીતે વિરોધ કાર્યક્રમો યોજ્યા હતા. મંચના જણાવ્યા મુજબ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પણ સમર્થનરૂપે પ્રતીકાત્મક ધરણાં યોજાયું હતું, જેનાથી આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિસાદ મળ્યો હોવાનું જણાવવાનું છે.
લોકસંસદ વિચાર મંચે જણાવ્યું છે કે તેમનો સંઘર્ષ કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નહીં પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય મળે, શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા જળવાઈ રહે, પરીક્ષા પ્રક્રિયામાં જવાબદારી નક્કી થાય અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત બનાવવામાં આવે તે માટે છે. મંચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે NEET સંબંધિત આત્મહત્યાના બનાવોમાં પીડિત પરિવારને તાત્કાલિક સહાય તથા જંતર-મંતર ખાતે વિરોધ દરમિયાન મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારને યોગ્ય વળતર આપવાની પણ માંગ કરી છે.
મંચે વધુમાં જણાવ્યું છે કે વિદ્યાર્થીઓને ન્યાય મળે ત્યાં સુધી લોકશાહી, અહિંસક અને શાંતિપૂર્ણ રીતે તબક્કાવાર આંદોલન ચાલુ રાખવામાં આવશે અને આગામી દિવસોમાં વધુ વ્યાપક સ્તરે કાર્યક્રમો યોજવામાં આવશે.