Loading Please Wait !!!
વરસાદ ખેંચાતા, ખેડૂતો ચિંતિત : પાક નિષ્ફળ જવાનું સંકટ

  • કૂવાઓમાં પાણીના સ્તર ઊંડા ઉતર્યા
  • મેંદરડામાં મગફળી સહિતનો પાક સડવા લાગ્યો
  • પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોની રાહત-વળતરની માગ

સિટી ન્યૂઝ@જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ચાલુ મોસમ દરમિયાન વરસાદ ખેંચાતાં ખેડૂતોની હાલત અત્યંત કપરું બની ગઈ છે. વિશેષ કરીને મેંદરડા તાલુકાના ખેડૂતો ભારે ચિંતા અને મુશ્કેલીમાં મુકાયા છે. સમયસર અને પૂરતો વરસાદ ન પડવાને કારણે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેલો પાક ઉગાડ્યો અને તેને બચાવવો મુશ્કેલ બની ગયો છે. ખેડૂતોએ એક તરફ મોંઘા ભાવના બિયારણો ખરીદીને વાવેતર કર્યું હતું અને ત્યારબાદ પાકની માવજત માટે દવા છંટકાવ સહિતના મોટા ખર્ચો કર્યા હતા. પરંતુ હવે વરસાદના અભાવે આ તમામ ખર્ચ માથે પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

જુલાઈ મહિનાની શરૂઆતમાં મગફળી, સોયાબીન અને અડદ જેવા પાકોનું વાવેતર કર્યું હતું. આ વાવેતર પાછળ તેઓ પ્રતિ વીઘે ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ચોમાસાની શરૂઆતમાં વાવણી લાયક વરસાદ થતાં વાવેતર સારું થયું હતું, પરંતુ

ત્યારબાદ લાંબા સમય સુધી વરસાદ ન પડતાં પાકની સ્થિતિ દિન-પ્રતિદિન બગડતી ગઈ છે. મગફળીના પાકમાં અત્યારે સુયા ફૂટવાનો મુખ્ય સમય છે, પરંતુ જમીનમાં ભેજ ન હોવાથી સુયા ફૂટી રઘા નથી. આ ઉપરાંત હવામાનના ફેરફારોને કારણે ઈયળ અને થ્રિપ્સ જેવા રોગોનો ઉપદ્રવ વધતાં ખેડૂતોને મોંઘી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડે છે. કૂવાઓમાં પણ પાણીના સ્તર ઊંડા ઉતરી ગયા હોવાથી પિયત આપવું અશક્ય બન્યું છે. ખેતરમાં મગફળી, સોયાબીન અને અડદનું વાવેતર કર્યું છે. મોડી વાવણી હોવા છતાં ખેડૂતોએ ભારે ઉત્સાહ સાથે બિચારણ અને ખાતર પાછળ મોટો ખર્ચ કર્યો હતો. પરંતુ પાક ઉગતાની સાથે જ રોગચાળો શરૂ થયો અને વરસાદ ખેંચાતાં શરૂઆતમાં જ પિયત આપવાની ફરજ પડી હતી. જેના કારણે મગફળીનો વિકાસ રુંધાઈ ગયો છે અને પાક બગડવા લાગ્યો છે. વધુમાં રાત્રિના સમયે જંગલી ભૂંડોનો ત્રાસ પડે છે કે પાકને ભારે નુકસાન પહોંચાડે છે.
  • વીરપુર પંથકમાં ખેડૂતોની મુશ્કેલી વધી
  • મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાક મુરઝાવા લાગ્યા
  • ખર્ચના 70 થી 80 ટકા ખર્ચાઈ ગયા બાદ પાક બચાવવો મુશ્કેલ
સિટી ન્યૂઝ@જૂનાગઢ

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને સમય વીતી ગયો હોવા છતાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હજી પણ પૂરતો વરસાદ નોંધાયો નથી. રાજકોટ જિલ્લાના અનેક તાલુકાઓ સહિત યાત્રાધામ વીરપુર પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. સમયસર વરસાદ નહીં વરસે તો વાવેતર કરાયેલા પાકને નુકસાન થવાની સાથે ઉત્પાદન પર પણ ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

મગફળી, કપાસ, સોયાબીન, મરચી સહિતના વિવિધ પાકોનું વાવેતર કર્યું હતું. વાવેતર બાદ પાકના અંકુર ફૂટ્યા હોવા છતાં હવે વરસાદ ખેંચાતા અનેક ખેતરોમાં પાક મુરઝાવા અને સુકાવા લાગ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસાદના અભાવે વાવેેલા બીજ જમીનમાં જ પડ્યા રહેતા પાકનો યોગ્ય ઉગાવો થવો નથી.

વરસાદ ખેંચાતા કુવા, બોર અને તળાવના પાણીના સ્તર પછા નીચે જતા રહ્યા છે, જેના કારણે ખેડૂતો સામે પાકને પિયત પાણી આપવાની મોટો પ્રશ્ન ઉભો થયો છે. હાલ પાકને પાણીની સૌથી વધુ જરૂરિયાત છે ત્યારે જ વરસાદ ખેંચાતા ખેડૂતો પર આર્થિક સંકટના વાદળો ઘેરાયા છે.

ખાસ કરીને મગફળીનો પાક પીળો પડવા લાગ્યો છે. ગરમી અને ભેજના અભાવને કારણે પાકમાં જીવાતોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને વધારાનો ખર્ચ કરી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડી રહ્યો છે. મોંઘા બિયારણ, ખાતર, દવા અને મજૂરી સહિતના ખર્ચને કારણે ખેડૂતોનો એક વીઘે અંદાજે ૭૦થી ૮૦ ટકા જેટલો ખર્ચ થઈ ચુક્યો છે. હવે સમયસર વરસાદ નહીં આવે તો કરવામાં આવેલો મોટો ખર્ચ વ્યર્થ જવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

વરસાદના અભાવે કેટલાક ખેડૂતોએ એક જ પાકનું બે વખત વાવેતર કરવું પડ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જેના કારણે ખેતીનો ખર્ચ બમણો થયો છે. કપાસના છોડ પણ વરસાદના અભાવે સુકાવા લાગ્યા છે અને આગામી સમયમાં ઉત્પાદન પર તેની સીધી અસર થવાની શક્યતા છે. બીજી તરફ વરસાદની ખેંચને કારણે પશુઓ માટે જરૂરી ઘાસચારાની અછત સર્જાવાની પણ ચિંતા ખેડૂતોમાં જોવા મળી રહી છે.