નમો ભારત રેપિડ ટ્રેન પાટા પર અચાનક બંધ પડી ગઈ
સિટી ન્યૂઝ | ભુજ
અમદાવાદથી ભુજ વચ્ચે દોડતી દેશની આધુનિક ’નમો ભારત રેપિડ રેલ’ ટ્રેનમાં મોડી રાત્રે કચ્છ જિલ્લામાં પ્રવેશતાની સાથે જ અચાનક ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ટ્રેનમાં આવેલી આ આકસ્મિક ક્ષતિના કારણે તે અધવચ્ચે જ રોકી દેવાની ફરજ પડી હતી, જેને પગલે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરો મધ્યરાત્રિના ત્રણે કલાક સુધી અટવાયા હતા. મળતી માહિતી અનુસાર, અમદાવાદથી મુસાફરોને લઈને ભુજ તરફ આવી રહેલી નમો ભારત રેપિડ ટ્રેન જ્યારે તેના અંતિમ સ્ટેશન ભુજની નજીક આવેલા કુક્મા રેલવે સ્ટેશન પાસે પહોંચી, ત્યારે તેમાં અચાનક પાવર અથવા મેકેનિકલ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી. આ ટેકનિકલ ક્ષતિ એટલી મોટી હતી કે ટ્રેન એક ઇંચ પણ આગળ વધી શકે તેમ નહોતી. પરિણામે, રેલવે પ્રશાસન દ્વારા તાકીદે ટ્રેનને કુક્મા સ્ટેશન પર જ ઉભી રાખી દેવાનો નિર્ણય લેવાયો હતો. રાત્રિના સમયે સામાન્ય રીતે એકાંત અને નિર્જન ગણાતા કુક્મા સ્ટેશન પર હાઈટેક ટ્રેન અચાનક અટકી પડતાં મુસાફરોમાં ભારે ચિંતા અને દોડધામનો માહોલ જોવા મળ્યો હતો. એરકન્ડિશનડ (એસી) કોચમાં બેઠેલા મુસાફરોને લાંબા સમય સુધી ટ્રેન શરૂ થવાની રાહ જોવી પડી હતી. આ ગંભીર ખામીના કારણે ટ્રેન અંદાજે ત્રણ કલાક જેટલા લાંબા સમય સુધી એક જ જગ્યાએ થંભી રહી હતી, જેના લીધે નાના બાળકો અને વડીલો સહિતના મુસાફરોમાં ભારે અફડાતફડી અને આક્રોશનો માહોલ સર્જાયો હતો.