Loading Please Wait !!!
10 ફૂટના સાવેણા સાથે પ્રતિકાત્મક સફાઈ; નિયમ મુજબ કામ ફાળવવાની માંગ સાથે તંત્ર સામે આક્રોશ, કામગીરી બંધ કરવાની ચેતવણી

વધારાની સફાઈ કામગીરી સામે મનપા કર્મચારીઓનો ઉગ્ર અને અનોખો વિરોધ

  • સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૪ના કાયમી સફાઈ કામદારોએ વધારાની અને અનિયમિત સફાઈ કામગીરીના વિરોધમાં સોમવારે ઉગ્ર અને અનોખો પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો. કામદારોએ ૧૦ ફૂટ લાંબા સાવેણા હાથમાં લઈને રસ્તાઓની સફાઈ કરી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને નિયમ મુજબ જ કામગીરી ફાળવવાની જોરદાર માંગ ઉઠાવી હતી. વિરોધ દરમિયાન કામદારોએ જણાવ્યું હતું કે સરકારી નિયમ મુજબ એક

સફાઈ કામદારને ૨૫૦થી ૭૫૦ મીટર સુધીનો વિસ્તાર ફાળવવાનો હોય છે, પરંતુ મનપા તંત્ર દ્વારા નિયમથી ઘણો વધુ વિસ્તાર તેમની જવાબદારીમાં સોંપવામાં આવી રહ્યો છે. જેના કારણે કામનું ભારણ અસહ્ય રીતે વધી રહ્યું છે અને કર્મચારીઓ પર શારીરિક તથા માનસિક દબાણ સર્જાઈ રહ્યું છે. કામદારોએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે માત્ર સફાઈ જ નહીં પરંતુ બાંધકામ વિભાગનું રોડ પરથી ધૂળ ઉપાડવાનું કામ, બાગ-બગીચા વિભાગનું ઘાસ કાપવાનું કામ તેમજ ડોર-ટુ-

ડોર કચરા ગાડી સાથે સંકળાયેલી કામગીરી પણ તેમના શિરે દેલવામાં આવી રહી છે, જે સંપૂર્ણપણે નિયમ વિરુદ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે અગાઉ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાને પર્યાવરણ ઇજનેર પ્રજ્ઞેશ સોલંકીએ વિસ્તારની યોગ્ય માપણી કરી નિયમ

મુજબ કામગીરી ફાળવવા તેમજ જરૂર પડે ત્યાં વધારાના કામદારો મુકવા સૂચના આપી હતી. છતાં આજદિન સુધી આ સૂચનાનો અમલ થયો નથી, જેના કારણે સમસ્યા યથાવત છે. વોર્ડ નં. ૪ના કાયમી સફાઈ કામદારોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો તાકાલિક અસરથી નિયમ મુજબ

કામગીરીની ફાળવણી કરવામાં નહીં આવે અને વધારાનું કામ બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર વોર્ડની સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ મહાનગરપાલિકા તંત્રની રહેશે તેમ કામદારોએ જણાવ્યું હતું.