Loading Please Wait !!!
સગીરા સગા મોટા ભાઈના બાળકને જન્મ આપશે

હાઈકોર્ટમાં અરજી બાદ મળી મંજૂરી હાઈકોર્ટે ૪ મહિનાના ગર્ભપાતની મંજૂરી ન આપી

પ્રસુતિ-બાળકના ભરણ-પોષણનો તમામ ખર્ચ સરકાર ભોગવશે

સિટી ન્યૂઝ | નવસારી

ગુજરાત હાઈકોર્ટે નવસારીની એક ૧૭ વર્ષીય સગીરાના ૩૪ અઠવાડિયાના (આશરે ૮ મહિનાના) ગર્ભના ગર્ભપાત માટેની અરજી નામંજૂર કરી છે. સગીરા સાથે તેના જ સગા મોટા ભાઈએ દુષ્કર્મ આચર્યું હતું, જેના કારણે તે ગર્ભવતી બની હતી. આ તબક્કે ગર્ભપાત કરવાથી સગીરાના જીવને જોખમ હોવાના મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે કુદરતી પ્રસૂતિ સુધી ગર્ભાવસ્થા ચાલુ રાખવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે બાળકના જન્મથી લઈને દત્તક આપવા સુધીની તમામ પ્રક્રિયા અને ખર્ચ અંગે રાજ્ય સરકારને નિર્દેશો આપ્યા છે.

આ ચકચારી ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે સગીરા તેની મોટી બહેન સાથે તેના બાળકને પોલિયોના ટીપાં પીવડાવવા આંગણવાડીમાં ગઈ હતી. ત્યાં હાજર સ્વાસ્થ્ય કાર્યકર બહેને સગીરાને જોઈને તેની ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પ્રેગ્નન્સી કિટથી ટેસ્ટ કરતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં સગીરાની મોટી બહેન તેણીને ડોક્ટર પાસે લઈ ગઈ હતી અને સોનોગ્રાફી કરતા તેને ૭ મહિનાથી વધુનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું. જે સંદર્ભે ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. પોલીસ સગીરાના ઘરે ગઈ હતી, પરંતુ ત્યાં કોઈ હાજર નહોતું. ત્યારબાદ પોલીસ ફરિયાદી મોટી બહેનના ઘરે આવી હતી,

પરંતુ સગીરાના માતા-પિતા હાજર નહીં હોવાથી અને સગીરાના બાળકના પિતા કોણ હોવાની જાણ નહીં હોવાથી પોતે જાતે આવીને ફરિયાદ નોંધાવી જશે તેમ પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ મોટી બહેન સગીરાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવા ગઈ હતી, જ્યાં સગીરાની પૂછપરછ દરમિયાન તેણે પોતાના સગા મોટા ભાઈએ જ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવતા મોટી બહેને બિલીમોરા પોલીસ મથકે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે. આ કેસમાં એડવોકેટ દીપમાલા દેસાઈ દ્વારા સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી.