પતિના અન્ય સ્ત્રી સાથેના સબંધોથી કંટાળી ભાજપ નેતાની પુત્રવધુનો આપઘાત
સુરતના ભાજપના વગદાર નેતા શશીસિંઘ રાજપૂતની પુત્રવધુએ ગળેફાંસો ખાધો
સાસરિયાઓ સુસાઈડ નોટનો નાશ ન કરે એ માટે નિધિએ પોતાના આંતરવસ્ત્રોમાં છૂપાવી દીધી
સિટી ન્યૂઝ@સુરત
સુરતના કડોદરામાં ભાજપમાં વગદાર નેતા શશીસિંઘની પુત્રવધૂ નિધિ રાજપૂતે પતિના લગ્નેત્તર સંબંધ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. આપઘાત પહેલા નિધિ રાજપૂતે દોઢ પાનાની સુસાઈડ નોટ લખી હતી, જો કે તેના આપઘાત બાદ સાસરિયાઓ સુસાઇડ નોટનો નાશ ન કરે એ માટે નિધિ રાજપૂતે સુસાઈડ નોટ પોતાના આંતરવસ્ત્રોમાં છુપાવી દીધી હતી.આ સુસાઇડ નોટમાં નિધિ રાજપૂતે પતિના
પ્રેમ અને પ્રેમ અને બેવફાઈની દર્દનાક કહાની લખી છે.પરીણીતા નિધિ રાજપૂતે આપઘાત પૂર્વે લખેલી દોઢ પાનાની સુસાઈડ નોટમાં તેના તૂટેલા દિલની આક્રંદ સ્પષ્ટ દેખાય છે. હિન્દી અને અંગ્રેજીમાં લખાયેલા આ પત્રમાં નિધિએ એકરાર કરતાં લખ્યું છે કે, "હું સૌરભને અનહદ પ્રેમ કરું છું અને તેના વિના જીવી શકતી નથી, પરંતુ તેના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધો હવે મારાથી સહન થતા નથી." પતિના આ સંબંધોને કારણે અસહ્ય માનસિક યાતના ભોગવતી
નિધિએ આખરે અંતિમ પગલું ભરી લીધું હતું.નિધિ ખૂબ સારી રીતે જાણતી હતી કે તેની સાસુ ભાજપમાં મજબૂત પકડ ધરાવતા વગદાર પૂર્વ ઉપપ્રમુખ છે, જેથી આ સુસાઇડ નોટ જો સાસરીવાળાના હાથમાં આવશે તો તેનો નાશ થઈ જશે. આ કરને કારણે તેણે જીવન ટૂંકાવતા પહેલાં ખૂબ જ સતર્કતા વાપરીને પોતાની આ દોઢ પાનાની ગુપ્ત ચિઠ્ઠી સાડી અને આંતરવસ્ત્રોમાં છુપાવી દીધી હતી, જેથી કોઈ પણ સંજોગોમાં તેની મોત પાછળનું અસલી કારણ દબાઈ ન જાય, અને જવાબદારો સામે કાર્યવાહી થાય.
નિધિના આપઘાત બાદ જ્યારે હોસ્પિટલમાં ડૉક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તેના કપડાંમાંથી આ વિસ્ફોટક સુસાઈડ નોટ મળી આવી હતી. પરિણીતાએ છુપાવેલી આ ચિઠ્ઠી સામે આવતાં જ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ પત્ર હવે પોલીસ માટે સૌથી મોટો અને નક્કર પુરાવો બન્યો છે, જેના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસે પતિ સૌરભ સિંઘ વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવા કાયદેસરની તજવીજ હાથ ધરી રહી છે.