Loading Please Wait !!!
સૌરાષ્ટ્રમાં દુકાળના એંધાણ!

  • સંકટ : સૌરાષ્ટ્ર-કચ્છમાં 50%થી ઓછો વરસાદ
  • દ્વારકામાં સીઝનનો માત્ર 6% વરસાદ, સૌરાષ્ટ્રમાં 40 મુખ્ય જળાશયો ડેમોમાં પાણીનો સંગ્રહ ચિંતાજનક રીતે ઘટી ગયો

સિટી ન્યૂઝ@દ્વારકા

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાની એક તસવીર જ્યાં જતો સુકાંભુ દેખાય છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ૨૨ ઓગસ્ટ સુધીમાં સરેરાશ ૨૭ ટકા વરસાદની ઘટ જોવા મળી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો વરસાદની ઘટ સરેરાશ ચાર ટકા જોવા મળી છે.

કચ્છમાં વરસાદની ઘટ ૫૪ ટકા, જનમગરમાં ૫૫ ટકા, રાજકોટમાં ૨૫ ટકા, ગીર-સોમનાથમાં ૩૩ ટકા અને જૂનાગઢમાં ૩૦ ટકા ઘટ છે. આ સિવાય દાહોદ અને અરવલ્લીમાં ૩૬ ટકા તથા સાબરકાંઠામાં ૩૫ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આ તમામ જિલ્લામાં વરસાદ ન આવવાને કારણે અત્યારથી જ ગંભીર સમસ્યા સર્જાઈ છે.

હવામાનનાં વિવિધ મોડલો અનુસાર ગુજરાતમાં વરસાદ વધે તેવી શક્યતા અત્યારે દેખાતી નથી અને ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં વરસાદ નહીં આવે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં માત્ર કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. એ સિવાય ૧૦ સપ્ટેમ્બર પછી છૂટોછવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે.

૧૭ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં આવી જ સ્થિતિ યથાવત રહી શકે છે. જોકે, આ લાંબાાળાનું પૂર્વાનુમાન છે અને તેમાં ફેરફારો થઈ શકે છે. ભારતમાં ચોમાસું પરત ફરવાની અધિકૃત તારીખ ૧૭ સપ્ટેમ્બર છે. એવામાં વરસાદની ઓછી શક્યતાને કારણે આગળ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

ભારત સહિત ગુજરાતમાં હાલના સમયમાં ચોમાસાની ગતિવિધિઓ છૂટીછવાઈ જોવા મળી રહી છે. ભારતમાં શરૂઆતમાં ચોમાસા અંગે જે ચેતવણી અપાઈ હતી એ પ્રમાણોની અનિશ્ચિતતા જોવા મળી રહી છે. એક કારણ એ પણ ગણાવાઈ રહ્યું છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ (આઈઓડી)ની સ્થિતિ નબળી પડી રહી છે અને એની સામે અલ-નીનો વધુ તીવ્ર બની રહ્યું છે. તાજેતરના મહાસાગરીય નિરીક્ષણના આંકડા દર્શાવે છે કે આઈઓડી સતત બીજા અઠવાડિયે નબળી પડી છે. તેનો સૂચકાંક હવે +૦.૧૮ ડિગ્રી સેલ્સિયસ સાથે તટસ્થ (ન્યુટ્રલ) પરિસ્થિતિમાં પહોંચી ગયો છે.

સામાન્ય રીતે સકારાત્મક આઈઓડી ભારતમાં અલ-નીનોની કેટલીક નકારાત્મક અસરોને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે, કારણ કે તે ઉપખંડના કેટલાક વિસ્તારોમાં વરસાદ વધારવામાં મદદરૂપ બને છે. હવામાનનાં વિવિધ મોડલો અનુસાર, અલ-નીનો આગામી સમયમાં વધુ તીવ્ર બની શકે છે અને તેની હવામાન પર અસર થઈ શકે છે. આઈઓડીનું નબળું પડવું અને અલ-નીનો વધુ મજબૂત થવું એ ભારતના વરસાદની પેટર્ન પર મોટો પ્રભાવ પાડી શકે છે.

  • ઘાસચારાની તંગી જો વરસાદ નહીં આવે તો આવનાર દિવસોની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે છે
  • અપૂરતા વરસાદથી પશુધન માટે કપરો કાળ

કચ્છમાં વરસાદ ખૂબ ઓછો પડ્યો છે. ખાસ કરીને બંની વિસ્તારોમાં જ્યાં ચોમાસાની રૃતુમાં ભૈસો માટે પૂરતો ઘાસચારો અને પાણી ઉપલબ્ધ રહે છે, ત્યાં આ વખતે પરિસ્થિતિ અલગ જોવા મળી રહી છે. વરસાદી પાણીથી ખાબોચિયા અને નાનાં તળાવો ભરાઈ જાય છે. પરંતુ આ વર્ષે ખાબોચિયાં પણ ભરાયાં નથી. કચ્છના પશુપાલકો માટે આવનારા દિવસોની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ઘાસચારો અને પાણીની અછતના કારણે પશુપાલકો અને પશુધનને આગામી સમય કપરો સાબિત થવાનો છે.