Loading Please Wait !!!
ગામડાઓના રસ્તા ‘ડિસ્કો ડાન્સર’ !

  • શાપરથી વિરવા જતો મુખ્ય માર્ગ બન્યો ‘ખાડારાજ’
  • ખાડા અને કાદવમાં લોકોની દિન ચર્ચા; વાહન ચાલકો ત્રাহিમામ, તંત્ર નિષ્ક્રિય : અકસ્માતનો ખતરો વધ્યો

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ જિલ્લાના શાપરથી વિરવાને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. માર્ગ પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેના કારણે રોજેરોજ અહીંથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

ચોમાસાની શરૂઆત થતા જ આ ખાડાઓમાં પાણી ભરાઈ જવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. આ મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓ એટલા મોટા અને ઊંડા છે કે ટુ-વ્હીલર ચાલકો માટે અહીંથી પસાર થવું જોખમી બની ગયું છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રીક્ષા અને બાઈકચાલકો ખાડાઓ અને કાદવ-કીચડમાંથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. વાહનોને પણ નુકસાન થવાની ભીતિ રહે છે. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે રસ્તા પર ખાડાઓની ઊંડાણનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે, જેનાથી અકસ્માતનો ખતરો સતત તોલાઈ રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગની ખરાબ હાલત અંગે અપારણવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ઔદ્યોગિક વિસ્તાર હોવાને કારણે અહીં ભારે વાહનોની અવરજવર પણ રહે છે, જેનાથી રસ્તાની સ્થિતિ વધુ ખરાબ થઈ છે. તંત્રની આ ઉદાસીનતાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે જેથી તેઓને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે.