વિદ્યાર્થી 10 દિવસથી વધુ ગેરહાજર રહેશે તો વાલીઓનો સંપર્ક કરીને શાળાએ પરત લવાશે
- શિક્ષણ વિભાગનું સમરસ વિદ્યા સેતુ અભિયાન 2030 સુધીમાં 100% એનરોલમેન્ટનો લક્ષ્યાંક
- શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકો, આચાર્યો અને SMC સભ્યોનું આગામી શિક્ષક દિવસે સન્માન કરાશે
સિટી ન્યૂઝ@ગાંધીનગર
એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને શાળા છોડી ગયેલા વિદ્યાર્થીઓને ફરી શિક્ષણ સાથે જોડવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ‘સમરસ વિદ્યા સેતુ અભિયાન’ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હાંસલ કરવાનો શિક્ષણ વિભાગનો ઉદ્દેશ છે.
આ અભિયાનનો મુખ્ય હેતુ ડ્રોપઆઉટ દર ઘટાડવા ઉપરાંત બાળકોને વયજૂથ મુજબ યોગ્ય ધોરણમાં પ્રવેશ સુનિશ્ચિત કરવાનો છે. અભિયાન અંતર્ગત શાળાઓએ સિટીએસ અને યુ-ડાયસના ડેટાના આધારે બાળવાટિકા-૧ થી ધોરણ-૮ સુધીમાં પ્રવેશ ન મેળવનારા તથા સતત ૧૦ દિવસથી વધુ સમયથી ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની યાદી
તૈયાર કરવાની રહેશે. ત્યારબાદ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, આંગણવાડી કાર્યકર, આશા વર્કર અને સ્થાનિક આગેવાનોની મદદથી વાલીઓનો સંપર્ક કરીને બાળકોના શાળાથી દૂર રહેવાના કારણો જાણવામાં આવશે.
ડ્રોપઆઉટ થયેલા અથવા નામાંકન ન થયેલા બાળકોને તેમની ઉંમર અને શૈક્ષણિક ક્ષમતા મુજબ યોગ્ય
ધોરણમાં પુનઃપ્રવેશ આપવામાં આવશે. ડ્રોપઆઉટ બાળકોને પરત લાવવાની કામગીરીના આધારે તમામ જિલ્લાઓનું પરફોર્મન્સ રેન્કિંગ જાહેર થશે. આ કામગીરીમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર શિક્ષકો, આચાર્યો અને SMC સભ્યોને આગામી ૫મી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિન’ નિમિત્તે રાજ્ય અને જિલ્લા કક્ષાએ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.
અમલીકરણ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ મોનિટરિંગ
-
જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં દર મહિને તાલુકાવાર ડ્રોપ-આઉટ રેટ અને હાજરીની સમીક્ષા થશે.
-
ડાયેટ અને GCERT દ્વારા શૈક્ષણિક ઓડિટ કરવામાં આવશે.
-
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ઓનલાઈન ટ્રેકિંગ ડેટા અને વર્ગખંડની ભૌતિક હાજરીનું ક્રોસ-વેરિફિકેશન કરાશે.
અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો અને મહત્વની બાબતો
-
બેક ટુ સ્કૂલ : સતત ૧૦ દિવસથી વધુ ગેરહાજર રહેતા અથવા શાળા છોડી ગયેલા બાળકોની ઓળખ કરી તેમના વાલીઓનો સંપર્ક કરીને પુનઃ શાળા પ્રવેશ અપાશે.
-
સ્પેશિયલ બ્રિજ કોર્સ અને ઉપચારાત્મક વર્ગો: લાંબા સમયથી શિક્ષણથી વંચિત બાળકોના લર્નિંગ લોસને ભરપાઈ કરવા બ્રિજ કોર્સ અને રેમિડિયલ ટીચિંગનું આયોજન કરવામાં આવશે.
-
વિશેષ વર્ગ પર ધ્યાન: કન્યાઓ, દિવ્યાંગ બાળકો અને રોજીરોટી માટે સ્થળાંતર કરતા પરિવારોના બાળકોના શિક્ષણમાં સાતત્ય જળવાય તે માટે વિશેષ કાઉન્સેલિંગ હાથ ધરાશે.
-
મોનિટરિંગ અને વહીવટી તંત્ર: તાલુકા કક્ષાએ બીઆરસી, સીઆરસી અને જિલ્લા કક્ષાએ ડીઈઓ તથા ડીપીઓ દ્વારા સંયુક્ત મોનિટરિંગ અને સાપ્તાહિક/માસિક સમીક્ષા કરાશે.
IITમાં PG પ્રવેશ માટે JAM પરીક્ષા 14 ફેબ્રુઆરીએ પરિણામ 18 માર્ચે જાહેર થશે
IITમાં MSc સહિતના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સમાં પ્રવેશ માટે JAM( જોઈન્ટ એડમિશન ફોર માસ્ટર) ૨૦૨૬નું શિડ્યૂલ જાહેર કરાયું છે. IIT ખડગપુર ૨૨ ઓગસ્ટે પરીક્ષાની માહિતી પુસ્તિકા જાહેર કરશે. ૫ સપ્ટેમ્બરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે અને ૧૨ ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે. JAM પરીક્ષા ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ બે સેશનમાં કમ્પ્યૂટર આધારિત લેવાશે. તેમાં બાયોટેકનોલોજી, કેમિસ્ટ્રી, ઈકોનોમિક્સ, જિયોલોજી સહિત ૭ વિષયોના પેપર રહેશે. પરિણામ ૧૮ માર્ચ ૨૦૨૬ના રોજ જાહેર કરાશે.