Loading Please Wait !!!
સુરતમાં રક્ષાબંધન પર ₹7 લાખની રિયલ ડાયમંડ રાખડીની ધૂમ: NRI બહેનોમાં ભારે ક્રેઝ

 

  • સુરતના જ્વેલરી માર્કેટમાં રિયલ ડાયમંડ, લેબગ્રોન અને ગોલ્ડ-સિલ્વર રાખડીઓનું ભવ્ય કલેક્શન

  • રક્ષાબંધન પછી ભાઈ ગળામાં ચેઇન સાથે પેન્ડન્ટ તરીકે પહેરી શકે તેવી યુટિલિટી ડિઝાઇન

  • 'શ્રી', 'ઓમ', 'સ્વસ્તિક' અને રુદ્રાક્ષ પ્રતીકો સાથે 0.5 ગ્રામથી 2 ગ્રામ ગિનીવાળી રાખડીઓ લોકપ્રિય

સિટી ન્યુઝ @ સુરત

રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ડાયમંડ સિટી સુરતના જ્વેલરી બજારમાં રિયલ ડાયમંડ તેમજ સોના-ચાંદીની રાખડીઓની અભૂતપૂર્વ માંગ જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા હોવા છતાં સુરતી બહેનો ભાઈ પ્રત્યેનો સ્નેહ અને રોકાણ (Investment) બંને બાબતોને ધ્યાને રાખીને પ્રીમિયમ જ્વેલરી રાખડીઓની ઉત્સાહભેર ખરીદી કરી રહી છે.

સુરતના બજારમાં સામાન્ય ₹500 થી લઈને ₹5 લાખ અને અતિ પ્રીમિયમ કેટેગરીમાં ₹7 લાખ સુધીની કિંમતી રિયલ ડાયમંડ જડિત રાખડીઓ ઉપલબ્ધ બની છે. આ સિવાય લેબગ્રોન ડાયમંડ, અમેરિકન ડાયમંડ અને કસ્ટમાઇઝ્ડ ગોલ્ડ-સિલ્વર ડિઝાઇન્સનું વિશાળ કલેક્શન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

આ વર્ષે માર્કેટમાં સૌથી વધુ ક્રેઝ ‘2-ઇન-1 યુટિલિટી’ ધરાવતી રાખડીઓનો જોવા મળી રહ્યો છે. આ એવી ખાસ રાખડીઓ છે જે રક્ષાબંધનના દિવસે કાંડા પર બાંધી શકાય છે અને ત્યારબાદ ભાઈ તેને ગળામાં પેન્ડન્ટ તરીકે કે કાયમી બ્રેસલેટ તરીકે પહેરી શકે છે. માત્ર 2 થી 3 ગ્રામ સોનામાં બનેલી આ ડિઝાઇન ભવિષ્યમાં પણ ઉપયોગી રહે છે. આ ઉપરાંત ‘શ્રી’, ‘ઓમ’, ‘સ્વસ્તિક’ અને ઓરિજિનલ રુદ્રાક્ષ વર્કવાળી આધ્યાત્મિક રાખડીઓ તેમજ 0.5 થી 2 ગ્રામની ગોલ્ડ કોઈન અને ગિનીવાળી રાખડીઓની ભારે માંગ છે, જેમાં ઘડામણ ન હોવાથી તે શુદ્ધ રોકાણ સાબિત થાય છે.

અગ્રણી જ્વેલર્સ દીપક ચોક્સીના જણાવ્યા મુજબ, ભાવવધારાના કારણે હવે ગ્રાહકો રાખડીને માત્ર પરંપરાગત દોરા તરીકે નહીં પરંતુ ભાઈ માટે કાયમી આર્થિક મૂડી તરીકે જોઈ રહ્યા છે. અમેરિકાથી 20 વર્ષ બાદ સુરત આવેલા NRI ગ્રાહક શીતલ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓએ પોતાના ભાઈ માટે રિયલ ડાયમંડ પેન્ડન્ટ રાખડી ખરીદી છે, જે તહેવાર પછી પણ કાયમ પહેરી શકાય તેવી અદભુત અને યુનિક છે.

સુરતમાં ₹7 લાખની રિયલ ડાયમંડ રાખડી

સુરતના માર્કેટમાં ₹500 થી ₹7 લાખ સુધીની રિયલ ડાયમંડ અને ગોલ્ડ-સિલ્વર રાખડીઓની ધૂમ છે. તહેવાર પછી પેન્ડન્ટ કે બ્રેસલેટ તરીકે પહેરી શકાય તેવી 2-ઇન-1 રાખડીઓ અને ગિનીવાળી ડિઝાઇન્સ બહેનોમાં પહેલી પસંદ બની છે. ભાવવધારા વચ્ચે બહેનો રાખડીને પ્રેમ સાથે રોકાણ તરીકે ખરીદી રહી છે.