Loading Please Wait !!!
ટંકારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સહિત 500થી વધારે આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

  • ખેડૂત મુદ્દા, ટિકિટ વહેંચણી અને સંગઠનના કામકાજથી નારાજગી બાદ ભાજપને અલવિદા
  • સહકારી વ્યવસ્થાને ભાજપે રાજકારણનો અટ્ટો બનાવી દીધી : અમદાવાદ ગાંધી ભવનમાં કાર્યક્રમ યોજાયો

સિટી ન્યૂઝ | અમદાવાદ

અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય મથક રાજીવ ગાંધી ભવનમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લામાંથી ભાજપના વરિષ્ઠ આગેવાનો, સહકારી અને સામાજિક હોદ્દેદારો તેમજ 500થી વધારે કાર્યકર્તાઓ વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ ભાજપમાંથી આવેલા વરિષ્ઠ નથુભાઈ કડીવાર (પૂર્વ તાલુકા પ્રમુખ ભાજપ ટંકારા, ડાયરેક્ટર નસીતપર સહકારી મંડળી), લાલજીભાઈ દેત્રોજા (પૂર્વ ઉપપ્રમુખ ટંકારા તાલુકા ભાજપ, પૂર્વ સદસ્ય તાલુકા પંચાયત), ઉમેશભાઈ ગોહિલ, (કોષાધ્યક્ષ, ટંકારા ભાજપ), રાજુભાઈ કોટકીયા (પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય, ટંકારા) અને તેમના સેંકડો સાથીઓને કોંગ્રેસનો ખેસ પહેરાવીને પક્ષમાં હાર્દિક આવકાર આપ્યો હતો. નવા જોડાયેલા સાથીઓને આવકારતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આ તમામ સાથીઓ કોઈ હોદ્દા, સત્તા કે પદની લાલચ માટે નહીં પરંતુ પ્રજા પર થઈ રહેલા અન્યાય, અત્યાચાર અને ભેદભાવ સામે લડવા માટે વિપક્ષ કોંગ્રેસમાં આવ્યા છે.

આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો પર પારાવાર અત્યાચાર થઈ રહ્યો છે. ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી વીજળીના ટ્રાન્સમિશન ટાવર ઊભા કરવામાં આવે છે અને ખેડૂતો કે બહેન-દીકરીઓ તેની સામે અવાજ ઉઠાવે તો પોલીસ તેમને હસડી હસડીને લાઠીચાર્જ કરે છે અને જેલમાં પૂરે છે, છતાં ભાજપનો કોઈ નેતા અવાજ ઉઠાવતો નથી. ખેડૂતોનો પક્ષ લેવાને બદલે આ સરકાર અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓની દલાલી કરવામાં વ્યસ્ત છે.

વધુમાં ચાવડાએ કહ્યું કે, સરદાર સાહેબે "વિના સહકાર નહીં ઉદ્ધાર" ના ઉદ્દેશ સાથે જે ભવ્ય સહકારી વ્યવસ્થા ઊભી કરી હતી, તેને ભાજપે અમૂલ, ડિસ્ટ્રિક્ટ બેંકો અને ગામડાની નાની મંડળીઓમાં પહેલા પક્ષ કે જ્ઞાતિ જોયા વગર લોકહિતનું કામ થતું હતું, જ્યારે આજે ત્યાં એટલે મોટો ભ્રષ્ટાચાર અને ભેદભાવ વ્યાપી ગયો છે. કે આ માળખું હવે મુઠ્ઠીભર લોકોના હાથમાં ભ્રષ્ટાચારનું સાધન બની ગયું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, તાનાશાહી અને ભ્રષ્ટાચાર સામે સૌ સાથે મળીને લડીશું અને રાહુલ ગાંધીજીના સંકલ્પ મુજબ ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતમાં ૧૦૦ ટકા સત્તા પરિવર્તન લાવીને રહીશું. આ તકે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ બિમલ શાહ, મહામંત્રી હિમાંશુ પટેલ, મીડિયા કદવર અને પ્રવક્તા ડો. મનીષ દોષી, મીડિયા કો-કન્વીનર અને પ્રવક્તા હેમાંગ રાવલ, મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ રાજુભાઈ આહિર સહિતના હાજર રહ્યા હતા.