વચન આપનાર નેતાઓ ગુમ છે !
- મત માંગવા સમયે કહ્યું હતું કામ થઈ જશે પણ હજુ સુધી થયું નથી
- થાળી અને વેલણ વગાડી કોર્પોરેટરોને જગાડવા માટે મહિલાઓએ વિરોધ કર્યો
- વોર્ડ નં.1માં ઈન્દ્રપ્રસ્થનગરમાં ખરાબ રોડ-રસ્તા અને ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરમાં ચોમાસામાં અંદર રહેણાંક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને બિસ્માર રોડ-રસ્તાની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. શહેરના વોર્ડ નંબર ૧માં ઈન્દ્રપ્રસ્થ નગર, બંસી પાર્ક, શાંતિનિકેતન તેમજ અક્ષર રેસિડેન્સી સહિતની સોસાયટીઓના સ્થાનિક રહીશો તંત્રની ધોર ઉપેક્ષાથી ભારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા ૧૦થી ૧૫ વર્ષથી કાચા રોડ, ખાડા-ખબડા, ચોમાસામાં ભરાતા પાણી અને ઉભરાતી ગટરોની ગંભીર સમસ્યાથી ત્રસ્ત સ્થાનિક નાગરિકોએ અંતે નછૂટકે વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવ્યો હતો.રસ્તા ઉપર ઉતરેલા સ્થાનિકોમાં ખાસ કરીને મહિલાઓએ મોટી સંખ્યામાં જોડાઈ થાળી અને વેલણ વગાડીને મનપા તંત્ર તથા સ્થાનિક કોર્પોરેટરો સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, નેતાઓ ગત માંગવા સમયે કહે છે કે તમારું કામ થઈ જશે, પણ પછી કાંઈ થતું નથી. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, સોસાયટીઓ તરફ આવતો મુખ્ય ઢાળિયાવાળો રસ્તો અત્યંત કાચો અને બિસ્માર હાલતમાં છે. ચોમાસા દરમિયાન માત્ર સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો
ધોવાઈ જાય છે અને ચારેય તરફ કાદવ-કીચડનું સામ્રાજ્ય પથરાઈ જાય છે. આ બિસ્માર રસ્તાઓને કારણે ફ્રિચડી વાહનો સ્લિપ થઈ જવાના બનાવો રોજના બની ગયા છે. શાળાએ જતા નાનાં બાળકો, મહિલાઓ અને વયસ્ક વૃદ્ધો માટે આ રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. વારંવાર વાહનો ખરાબ થઈ જવા અને સ્લિપ થઈ જવાથી સ્થાનિકોને શારીરિક તથા આર્થિક સહન કરવાનો વારો આવ્યો છે. ઉપરાંત કાચા અને બિસ્માર ઢાળિયા વિસ્તારમાંથી અવારનવાર ઝેરી જીવજંતુઓ તથા સાપ પણ નીકળતા હોવાથી વિસ્તારના લોકોમાં ભારે ભયનો વાતાવરણ ફેલાયેલું રહે છે.સ્થાનિક રહીશ નેહાબેને પોતાનો આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા ૯ વર્ષથી અહીં રહીએ છીએ અને લોકો કહે છે કે, છેલ્લા ૧૫ વર્ષથી આ સમસ્યા છે. અમારો ઢાળિયાનો મેઈન પ્રશ્ન અમને હલ કરી દો. એટલા ખાડા-ખબડા છે કે, બાળકોને સ્કૂલે મૂકવા-લેવા જવામાં અને વૃદ્ધો માટે ભારે મુશ્કેલી પડે છે. અમારી ગાડીઓ સ્લિપ થાય છે અને બે-બે દિવસે ખરાબ થઈ જાય છે. ભૂગર્ભ ગટરની સમસ્યા અને જીવજંતુઓ ફેલાય છે. અમારા બાળકો દર ૨-૩ દિવસે બીમાર પડે છે અને દવાખાને જવું પડે છે.