વેરાવળ કોર્ટમાં મેડિકલ સર્ટિફિકેટનો ખેલ,તબીબ સામે કાર્યવાહીનો આદેશ
હત્યાના આરોપીને વચગાળાના જામીન અપાવવાના પ્રયાસમાં સર્ટિફિકેટની વિશ્વસનીયતા સામે સવાલ
- સિટી ન્યૂઝ@રવિ અખ્ખર–ગીર સોમનાથ
વેરાવળ જેલમાં રહેલા હત્યા જેવા ગંભીર ગુનાના આરોપીને સારવાર નામે વચગાળાના જામીન અપાવવાના પ્રયાસમાં મેડિકલ સર્ટિફિકેટનો ઉપયોગ થવો હોવાની ચોંકાવનારી વિગતો વેરાવળની એડી. સેશન્સ કોર્ટના હુકમમાં સામે આવી છે. કેશોદના પિટ્રિશિયન-કાર્ડિયોલોજિસ્ટ ડૉ.રાજેશ સાંગાણી દ્વારા કેદીને તપાસ્યા વિના મેડિકલ સર્ટિફિકેટ અપાયું હોવાના કોર્ટના અવલોકન બાદ હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલને તબીબ સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.
વેરાવળ કોર્ટના હુકમ અંગે વિગતો આપતાં જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, વેરાવળમાં થયેલા હત્યાના આરોપી ફારૂક ગોલાના નામના આરોપીએ બીમારીના આધારે ૧૫ દિવસના વચગાળાના જામીનની માંગણી કરી હતી. આ અરજી સાથે ડૉ. રાજેશ સાંગાણીના તા.૩ જૂન અને ૧૬ જૂન ૨૦૨૬ના મેડિકલ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટના અવલોકન મુજબ ડૉ.સાંગાણીએ આરોપીને અગાઉ તા.૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી સારવાર
આપી હતી. ત્યારબાદ જૂન ૨૦૨૬ માં સર્ટિફિકેટ આપતી વખતે આરોપીની તબીબી તપાસ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ જેલના મેડિકલ રેકોર્ડમાં તા. ૨ અને ૪ જૂને આરોપીને જેલના પિટ્રિશિયન દ્વારા સારવાર અપાઈ હોવાનું નોંધાયેલ અને તા.૪ જૂને છાતીમાં દુખાવાની ફરિયાદ થતાં ઈસીજી પણ કરાયું હતું.
જો કે ત્યારબાદ આરોપીએ જેલના દવાખાનામાં કોઈ તકલીફ અંગે સારવાર લીધી ન હતી અને જેલના પિટ્રિશિયન દ્વારા બહારના સ્પેશિયાલિસ્ટ પાસે રિફર કરવાની પણ સલાહ આપવામાં આવી નહોતી. તેમ છતાં તા.૧૬ જૂને બહારના તબીબ દ્વારા ટ્રીટમેન્ટ સર્ટિફિકેટ
આપવામાં આવ્યું હતું. કોર્ટે નોંધ્યું હતું કે આવા સર્ટિફિકેટના આધારે આરોપીને વચગાળાના જામીન મળી શકે અને ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર નામે જેલની બહાર રહેવાની સુવિધા મળી શકે તેવો પ્રયાસ જણાય છે. કોર્ટેએ મેડિકલ સર્ટિફિકેટની વિશ્વસનીયતા અંગે ગંભીર ટકોર કરતાં જણાવ્યું હતું કે, તબીબના અભિપ્રાય અને સર્ટિફિકેટના આધારે કોર્ટ વ્યક્તિની સ્વતંત્રતા અંગે મહત્વના નિર્ણયો લે છે. તેથી મેડિકલ સર્ટિફિકેટ સાચું, સ્પષ્ટ અને તથ્ય આધારિત હોવું જરૂરી છે.
કોર્ટેએ ડૉ. રાજેશ સાંગાણીનું કૃત્ય મેડિકલ પ્રોફેશનલ કન્ડક્ટના નિયમો હેઠળ મિસકન્ડક્ટ ગણાવી ગુજરાત
મેડિકલ કાઉન્સિલ રૂલ્સ- ૧૯૫૬ની કલમ ૨૨ હેઠળ કાર્યવાહી કરવા હુકમ કર્યો છે. સંબંધિત મેડિકલ સર્ટિફિકેટ, ડોક્ટરનો ખુલાસો તેમજ જેલ અને મેડિકલ ઓફિસર્સના રિપોર્ટ સહિતના દસ્તાવેજો કાઉન્સિલને મોકલવામાં આવશે અને કાર્યવાહીનો અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો રહેશે. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે સાધનસંપન્ન કે વગરદાર વ્યક્તિઓ ગુનામાં સંડોવાયા બાદ ડોક્ટરની મદદથી હોસ્પિટલમાં દાખલ થઈ જેનની બહાર લાંબો સમય રહેવાની સુવિધા મેળવતા હોય તો ગેરમાર્ગે દોરનારા સર્ટિફિકેટ સામે કાર્યવાહી જરૂરી છે. આવી બાબતોમાં કડક પગલા નહીં લેવાય તો ન્યાયના હિતને નુકસાન થઈ શકે છે.