Loading Please Wait !!!
ગુજરાતમાં છેલ્લા ૫ દિવસના સાર્વત્રિક વરસાદને કારણે જળ પરિસ્થિતિનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

  • ગુજરાતમાં છેલ્લા ૫ દિવસના સાર્વત્રિક વરસાદને કારણે જળ પરિસ્થિતિનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.

  • રાજ્યના કુલ ૧૪ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ૨૧ ડેમ હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે.

  • દક્ષિણ ગુજરાતમાં દમણગંગા, ઝૂઝ અને કેલિયા સહિતના ૮ ડેમ ઓવરફ્લો થઈ ગયા છે.

સિટી ન્યુઝ @ ગાંધીનગર

 ગુજરાતમાં છેલ્લા ૫ દિવસના સાર્વત્રિક અને ભારે વરસાદ (મેઘમહેર) બાદ રાજ્યની જળ પરિસ્થિતિનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. થોડા દિવસો પહેલાં સુધી વરસાદની અછત અને પાણીની ચિંતાનો સામનો કરી રહેલું રાજ્ય હવે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ૧૨૦ કલાકમાં રાજ્યના જળાશયોમાં ૭૫૦ મિલિયન ક્યુબિક મીટરથી વધુ પાણીની આવક નોંધાઈ છે, જેના કારણે ૧૪ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે અને ૨૧ ડેમ હાઈ એલર્ટ પર આવી ગયા છે. આ સાથે રાજ્યનો મોસમી સરેરાશ વરસાદ વધીને ૫૨ ટકા સુધી પહોંચી ગયો છે.દક્ષિણ અને સૌરાષ્ટ્રના જળાશયોની સ્થિતિ વિશે વાત કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણ ભરાયેલા ૧૪ ડેમમાંથી ૮ ડેમ આવેલા છે. દમણગંગા ડેમમાં ૫૫,૩૦0 ક્યુસેકથી વધુ પાણીની આવક થતાં ૫૩,000 ક્યુસેક પાણી નિયંત્રિત રીતે નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નવસારી જિલ્લાના ઝૂઝ અને કેલિયા ડેમ પણ ૧૦૦ ટકા ભરાઈ જતાં ઓવરફ્લો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની વ્યાપક અસર જોવા મળી છે, જ્યાં જળાશયોનો સરેરાશ સંગ્રહ ૩૯.૧૪ ટકાથી વધીને ૪૬.૩૬ ટકા થયો છે. મોરબીના મચ્છુ-૨ ડેમે સંપૂર્ણ જળસપાટી હાંસલ કરતા ૧૮,૫૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડવું પડ્યું છે, જ્યારે ભાવનગરનો શેત્રુંજી ડેમ પણ સંપૂર્ણ ભરાઈ ગયો છે.

રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની પાણીની સપાટી ૧૨૮.૧૧ મીટરથી વધુ નોંધાઈ છે, જે તેની કુલ જળસંગ્રહ ક્ષમતાના આશરે ૬૯.૨૫ ટકા જેટલી છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં હાલમાં કુલ ૭,૦૮૦.૪૨ મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત છે, જે આગામી સમયમાં પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાતો માટે અત્યંત રાહતરૂપ સાબિત થશે.

જળસંચય અને કૃષિ ક્ષેત્ર માટે વરદાનરૂપ વરસાદ

આ સાર્વત્રિક વરસાદના કારણે રાજ્યના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છવાઈ ગઈ છે અને ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાથી આગામી મોસમના પાકને પૂરતું પાણી મળી રહેશે.