તરણેતરના મેળામાં થાનગઢની રંગબેરંગી છત્રીઓનો દબદબો
-
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની પ્રાચીન હસ્તકલા
-
બંડી, કોટી, ચણિયાચોળી અને રજવાડી પાઘડીનું પણ થાય છે નિર્માણ
-
હાથ ભરત, આરી ભરત અને કમ્પ્યુટર ભરતનું ઝીણવટભર્યું કામ
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં યોજાતો ઐતિહાસિક તરણેતરનો મેળો ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રતિક છે, જ્યાં થાનગઢના કારીગરો દ્વારા બનતી રંગબેરંગી અને ભરતકામવાળી છત્રીઓ વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બને છે. છેલ્લા 50 વર્ષથી અમિતભાઈ નરોત્તમભાઈ દરજી અને તેમનો પરિવાર આ પ્રાચીન હસ્તકલાને જીવંત રાખી રહ્યા છે. તેઓ મેળા માટે ખાસ મોટી અને કલાત્મક છત્રીઓ ઉપરાંત બંડી, કોટી, ચણિયાચોળી, મોજડી અને રજવાડી પાઘડી જેવી પરંપરાગત વસ્તુઓ પણ તૈયાર કરે છે. દેશના મોટા મંદિરોના સંતો-મહંતો તેમજ મોટા રાજનેતાઓ અને અધિકારીઓ માટે અપાતી સન્માનની વસ્તુઓ પણ તેઓ જ બનાવે છે.
આ હસ્તકલાના માધ્યમથી થાનગઢની આશપાસની 25થી 30 બહેનો અને 7થી 8 ભાઈઓને ઘરે બેઠા જ રોજગારી મળી રહી છે. આ કારીગરો હાથ ભરત, આરી ભરત અને કમ્પ્યુટર ભરતનું ઝીણવટભર્યું કામ કરે છે. આ કલા ક્ષેત્રે જોડાયેલા અન્ય સ્થાનિક કારીગર રાજેન્દ્રભાઈ જણાવે છે કે પરંપરાગત ડ્રેસ અને કલાત્મક વસ્ત્રોના નિર્માણથી તેમને સતત કામ મળતું રહે છે, જેનાથી તેઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનીને પોતાના પરિવારનું પાલન-પોષણ કરી રહ્યા છે. તરણેતરના મેળાના માધ્યમથી આ પારંપરિક હસ્તકલા આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી છાપ કંડારી રહી છે અને ગ્રામીણ રોજગારી તથા મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે.
સંસ્કૃતિ અને રોજગારીનો સમન્વય
લોકકલા અને હસ્તકલાની જાળવણી માત્ર સાંસ્કૃતિક ધરોહરને જ ટકાવી નથી રાખતી, પરંતુ ગ્રામીણ સ્તરે અર્થતંત્રને મજબૂત કરીને અનેક પરિવારોને સ્વાભિમાનપૂર્વક જીવવાની તક પણ પૂરી પાડે છે.