Loading Please Wait !!!
તમિલનાડુની થેની જેલમાંથી ૧૭ કુખ્યાત કેદીઓ ફરાર થયા! બીમારીનું નાટક કરીને કેદીઓએ પોલીસ પર જીવલેણ હુમલો!

  • થેની જેલ પ્રશાસનની લાપરવાહીથી ભારે હડકંપ મચી ગયો!

  • ફરાર કેદીઓને પકડવા માટે ૧૭ સ્પેશિયલ ટીમો તૈનાત!

  • આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અર્થે હાઈ એલર્ટ જાહેર કરાયું!

સિટી ન્યુઝ @ થેની 

તમિલનાડુના થેની જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં જેલની ઊંચી દીવાલો અને લોખંડી સુરક્ષા વચ્ચે 17 જેટલા કેદીઓ ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે.

મળતી માહિતી મુજબ, આ તમામ 17 કેદીઓ જેલના એક જ સેલમાં બંધ હતા અને મોડી રાત્રે અચાનક એક કેદીની તબિયત બગડ્યાનું નાટક કરીને જેલ કર્મચારીઓને અંદર બોલાવ્યા હતા.

જેવા જેલના કર્મચારીઓ માનવતાના ધોરણે સેલની અંદર ગયા, કે તરત જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ કેદીઓએ તેમની પર હિંસક હુમલો કરી દીધો અને સુરક્ષા ઘેરો તોડીને ભાગી છૂટ્યા હતા.

આ ઘટના બાદ પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે અને દક્ષિણ ઝોનના આઈજીપીના માર્ગદર્શન હેઠળ ફરાર કેદીઓને પકડવા માટે 17 સ્પેશિયલ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે, જેમાંથી એક કેદી ઝડપાઈ ગયો છે.

કેદીઓ રાજ્યની સરહદ ન વટાવી જાય તે માટે થેની ઉપરાંત ઇડુક્કી, મદુરૈ અને દિંડીગુલ જેવા આસપાસના જિલ્લાઓમાં પણ હાઈ એલર્ટ જાહેર કરીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

થેની જેલમાંથી 17 કેદીઓનું પલાયન અને સુરક્ષા સામે સવાલો

તમિલનાડુની થેની જેલમાંથી 17 કેદીઓનું ફિલ્મી ઢબે ફરાર થઈ જવું એ જેલ પ્રશાસનની ગંભીર બેદરકારી અને સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલે છે. બીમારીનું બહાનું ધરીને જેલ કર્મચારીઓ પર હુમલો કરી નાસી છૂટવાની આ ઘટના જેલની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કરે છે. ભલે પ્રશાસન દ્વારા 17 સ્પેશિયલ ટીમો બનાવીને સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું હોય, પરંતુ આવા કુખ્યાત અપરાધીઓનું જેલમાંથી સહેલાઈથી છટકી જવું કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર પડકાર સમાન છે.