ડેટા પ્રાઈવસી કાનૂન સામે અગ્રણી મીડિયા હાઉસ સુપ્રીમ કોર્ટમાં!
-
સમાચાર પ્રકાશિત કરતા પહેલા પૂર્વ સંમતિ મેળવવી ફરજિયાત!
-
અહેવાલના સ્ત્રોત ખુલ્લા કરવાના પ્રસ્તાવ સામે ભારે વિરોધ!
-
પત્રકારત્વની સ્વતંત્રતા છીનવાઈ રહી હોવાનો મીડિયાનો ગંભીર આક્ષેપ!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી : દેશમાં સરકાર દ્વારા પ્રસ્તાવિત ડેટા પ્રાઈવસી કાનૂનમાં મીડિયા માટે કોઈપણ અહેવાલ સામેલ કરતા અગાઉ પૂર્વ સંમતિ જરૂરી બનાવતા અને સ્ત્રોત ખુલ્લા કરવાના પ્રસ્તાવ સામે અગ્રણી મીડિયા હાઉસિસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
એનડીટીવી, ઈન્ડિયન એક્સપ્રેસ તથા ટાઈમ્સ ગ્રુપ સહિતના 21 મોટા મીડિયા હાઉસેસ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર આજે ચીફ જસ્ટીસ સૂર્યકાંતની ખંડપીઠ સમક્ષ મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવશે.
વર્ષ 2027થી લાગુ થનાર આ પ્રસ્તાવિત કાનૂન મુજબ પત્રકારોએ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા સંબંધિત વ્યક્તિ કે સંસ્થાની અગાઉથી મંજૂરી લેવી પડશે અને જો વિરોધ થાય તો સ્ટોરી ડિલીટ કરવાની સાથે માહિતીના સ્ત્રોત પણ જણાવવા પડશે.
મીડિયા હાઉસિસનું માનવું છે કે આ પ્રકારનો કાનૂન પત્રકારત્વ પર પૂર્વ સેન્સરશીપ સમાન છે, જે મીડિયાના હાથ પૂરી રીતે બાંધી દેશે અને લોકશાહી દેશોમાં આ પ્રકારની પાબંધી વ્યાજબી નથી.
આ પ્રસ્તાવિત નિયમો સામે લેખિત સુધારા કરીને મીડિયાને રક્ષણ આપવા અને પત્રકારત્વની સ્વતંત્રતા જાળવી રાખવા માટે મીડિયા જગત દ્વારા સુપ્રીમ કોર્ટમાં ગંભીર રજૂઆતો કરવામાં આવી રહી છે.
પ્રસ્તાવિત ડેટા પ્રાઈવસી કાનૂન અને મીડિયાની સ્વતંત્રતા સામે સંકટ
દેશમાં પ્રસ્તાવિત ડેટા પ્રાઈવસી કાનૂન હેઠળ સમાચાર પ્રકાશન પૂર્વે સંમતિ મેળવવાની અનિવાર્યતા અને સ્ત્રોત ખુલ્લા કરવાના નિયમો પત્રકારત્વના મૂળભૂત સિદ્ધાંતો સામે મોટો પડકાર ઊભો કરી રહ્યા છે. 21 અગ્રણી મીડિયા હાઉસિસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજી આ કાનૂનની વ્યાજબીતા સામે ગંભીર સવાલો ખડા કરે છે. જો પત્રકારોએ દરેક અહેવાલ માટે પૂર્વ મંજૂરી લેવી પડે અને માહિતીના સ્ત્રોત જાહેર કરવા પડે, તો તે લોકશાહીના ચોથા સ્તંભ સમાન સ્વતંત્ર પત્રકારત્વનો અંત લાવવા સમાન સાબિત થઈ શકે છે. આ મામલે ન્યાયિક હસ્તક્ષેપ દ્વારા યોગ્ય રક્ષણ મળે તે અત્યંત અનિવાર્ય છે.