Loading Please Wait !!!
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે હવે ભાવનગર સુધી, ૩ મહિનામાં કામગીરી શરૂ

મુસાફરીનો સમય ૪ કલાકથી ઘટીને થશે માત્ર ૨ કલાક

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની જાહેરાત, પ્રોજેક્ટથી ટ્રાફિકની સમસ્યા થશે હળવી

આગામી ૩ મહિનામાં શરૂ થશે કામગીરી, મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લેવાયો નિર્ણય

સિટી ન્યુઝ @ અમદાવાદ

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને હવે ભાવનગર સુધી લંબાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગોના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટના અમલીકરણ માટે આગામી ૩ મહિનામાં કામગીરી શરૂ કરી દેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ એક્સપ્રેસ-વેના વિસ્તરણ બાદ અમદાવાદથી ભાવનગર પહોંચવામાં લાગતો ૪ કલાકનો સમય ઘટીને માત્ર ૨ કલાક થઈ જશે, જેનાથી લાખો મુસાફરોને મોટી રાહત મળશે.

સમીક્ષા બેઠકમાં વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે, જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે, મોરબી-સામખિયાળી અને પાલનપુર-સામખિયાળી કોરિડોર સહિતના અનેક પ્રોજેક્ટ્સની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પાલનપુર-સામખિયાળી કોરિડોરના કામને ઝડપી બનાવવા માટે ખાસ અનુરોધ કરાયો હતો. આ ઉપરાંત, રોડ વિસ્તરણ દરમિયાન પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માર્ગમાં આવતા વૃક્ષોને અન્ય સ્થળે ટ્રાન્સપ્લાન્ટ કરીને જ વિસ્તરણ કામગીરી હાથ ધરવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.

વિવિધ પ્રોજેક્ટ્સની કામગીરીની ગતિ વધારવા માટે આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તમામ એક્સપ્રેસ-વે અને હાઈવે પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી રાજ્યમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ બનશે અને આર્થિક વિકાસને વેગ મળશે. ભાવનગર સુધીના એક્સપ્રેસ-વેના વિસ્તરણથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે, જે વેપાર અને પરિવહન ક્ષેત્રે ક્રાંતિકારી બદલાવ લાવશે.