અમદાવાદમાં ડોક્ટર પરિવારની સગીરાની 12 પુરુષો સાથે વર્ચ્યુઅલ ફ્રેન્ડશીપ: 181 અભયમની મદદ લેવાઈ
-
WhatsApp, Instagram અને Facebook પર 12 અજાણ્યા પુરુષો સાથે સંબંધોનો પર્દાફાશ થયો
-
પિતાએ રાત્રે થમ્બપ્રિન્ટથી સ્માર્ટફોન અનલોક કરીને તપાસતાં અંગત ચેટ્સ અને ફોટો સામે આવ્યા
-
ભૂલ સ્વીકારવાને બદલે સગીરા ગુસ્સે થઈ ઝઘડો કરતાં ગભરાયેલી માતાએ હેલ્પલાઇન બોલાવી
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ શહેરના એક પોશ વિસ્તારમાં રહેતા જાણીતા તબીબ પરિવારમાં મોડી રાત્રે એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પરિવારની 17 વર્ષની સગીર વયની દીકરી સોશિયલ મીડિયાના માધ્યમથી 12 જેટલા અજાણ્યા પુરુષો સાથે ઓનલાઈન સંપર્કમાં હતી અને પોતાના અત્યંત અંગત ફોટા શેર કરી રહી હતી. આ બાબતનો પર્દાફાશ થતાં ઘરમાં ભારે વિવાદ સર્જાયો હતો અને મામલો થાળે પાડવા '181 અભયમ' હેલ્પલાઇનની તાકીદે મદદ લેવી પડી હતી.
છેલ્લા કેટલાક સમયથી દીકરીના બદલાયેલા વર્તન અને સતત રૂમનો દરવાજો બંધ રાખીને એકાંતમાં સેલ્ફી લેવાની ટેવને કારણે પિતાને ગંભીર શંકા ઉપજી હતી. એક મોડી રાત્રે દીકરી ઊંઘતી હતી ત્યારે પિતાએ તેના અંગૂઠાની છાપ વડે સ્માર્ટફોન અનલોક કરીને તપાસતાં વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર 12 અલગ-અલગ શખ્સો સાથે થયેલી વાંધાજનક ચેટિંગ અને મોકલેલા પ્રાઇવેટ ફોટોઝ સામે આવ્યા હતા.
પરિવારે રાત્રે જ દીકરી સમક્ષ આ બાબતે ખુલાસો માંગતાં ઘરમાં તીવ્ર ઘર્ષણ સર્જાયું હતું. સગીરા પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સ્વતંત્રતાના નામે ઉગ્ર દલીલો કરવા લાગી હતી. સ્થિતિ કાબૂ બહાર જતી જોઈ ગભરાયેલી માતાએ સાયબર ક્રાઈમ કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના રોકવા માટે તાત્કાલિક 181 અભયમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો.
અભયમની રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળે પહોંચીને સતત 4 કલાક સુધી સગીરા સાથે સંવેદનશીલતાપૂર્વક કાઉન્સિલિંગ સેશન યોજ્યું હતું. ટીમે સગીરાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડીપફેક, બ્લેકમેઇલિંગ, નાણાકીય છેતરપિંડી તેમજ ઇન્ટરનેટ પર કાયમ રહી જતી ડિજિટલ ફૂટપ્રિન્ટના ગંભીર ખતરાઓ વિશે વિગતવાર અને વ્યવહારુ સમજ આપી હતી.
અભયમ ટીમના સઘન પ્રયાસો બાદ સગીરાને પોતાની ભૂલ અને સંભવિત સાયબર જોખમોનું સંપૂર્ણ ભાન થયું હતું. ટીમે માતા-પિતાને પણ ઘરમાં ખુલ્લા અને સહાનુભૂતિપૂર્વકના સંવાદનું વાતાવરણ ઊભું કરવા માર્ગદર્શન આપ્યું હતું જેથી સંતાનો એકલતાનો ભોગ બનીને આવા ઓનલાઈન દૂષણોમાં ન ફસાય.
સગીરાની 12 પુરુષો સાથે ઓનલાઈન મિત્રતા
અમદાવાદના પોશ વિસ્તારમાં 17 વર્ષીય સગીરા સોશિયલ મીડિયા પર 12 અજાણ્યા શખ્સો સાથે ઓનલાઈન ચેટ કરી અંગત ફોટા મોકલતી હોવાનો ભાંડો પિતાએ ફોન તપાસતાં ફૂટ્યો હતો. ઘરમાં ભારે હોબાળો થતાં માતાએ 181 અભયમની મદદ માંગી હતી. ટીમે 4 કલાક કાઉન્સિલિંગ કરી સગીરાને ડીપફેક અને સાયબર જોખમો સમજાવી ભૂલનું ભાન કરાવ્યું હતું.