Loading Please Wait !!!
5 રાજ્યોમાં ક્રિમિનલ કેસવાળા 1405 ઉમેદવારોને ટિકિટ

 

  • ADR દ્વારા 51 પક્ષોના 3539 ઉમેદવારોના રેકોર્ડની તપાસ કરાઈ

  • 191 ઉમેદવારો માટે પક્ષોએ કારણ આપવાનું ટાળ્યું

  • જીતવાની સંભાવનાને આધાર ન બનાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

આસામ, કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડુચેરીની ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ગુનાહિત રેકોર્ડ ધરાવતા 1,405 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હોવાનો ચોંકાવનારો ખુલાસો એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં થયો છે. ADR દ્વારા 51 પક્ષોના 3,539 ઉમેદવારોના રેકોર્ડની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 1,214 ઉમેદવારો માટે પક્ષોએ C-7 ફોર્મમાં માહિતી આપી હતી, જ્યારે 191 એટલે કે લગભગ 14 ટકા ઉમેદવારોને ટિકિટ આપવાનું કોઈ ચોક્કસ કારણ પક્ષો દ્વારા જણાવવામાં આવ્યું ન હતું.

રિપોર્ટ મુજબ પાંચેય રાજ્યોમાં તમિલનાડુમાં સૌથી વધુ 72 ઉમેદવારોના C-7 ખુલાસા મળ્યા નથી, જ્યાં 473 ઉમેદવારોએ ગુનાહિત કેસ જાહેર કર્યા હતા. આ પછી પશ્ચિમ બંગાળમાં 55, કેરળમાં 27, પુડુચેરીમાં 12 અને આસામમાં 10 ઉમેદવારોની માહિતી ઉપલબ્ધ ન હતી. સુપ્રીમ કોર્ટે 2020માં નિર્દેશ આપ્યો હતો કે પક્ષોએ ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા ઉમેદવારોની પસંદગીનું કારણ 72 કલાકની અંદર સાર્વજનિક કરવું જોઈએ, જેમાં જીતની સંભાવનાને બદલે મેરિટ અને યોગ્યતા આધાર હોવો જોઈએ.

ADRના રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે પક્ષોએ દાગી ઉમેદવારોને પસંદ કરવાના કારણોમાં ઘણીવાર એકસરખી ભાષાનો ઉપયોગ કર્યો છે. ભાજપ, ડીએમકે, એઆઈએડીએમકે અને એઆઈયુડીએફ સહિતના પક્ષોએ ઉમેદવારોની જાહેર છબી અને લોકપ્રિયતા જેવા સામાન્ય કારણો દર્શાવતી વખતે સમાન ભાષા વાપરી હતી, જે નિયમોના પાલન પર ગંભીર સવાલો ખડા કરે છે.

ચૂંટણી સુધારણા અને પારદર્શિતા

રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા જાળવવી અત્યંત આવશ્યક છે. સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો છતાં પક્ષો દ્વારા કારણો આપવામાં અનિચ્છા દર્શાવવી એ લોકશાહીમાં મતદારોના અધિકારો અને ન્યાયિક આદેશોના પાલન સામે મોટો પડકાર ઊભો કરે છે.