અમદાવાદમાં પોલીસના મોટા દરોડા: ૩૯.૫૭ કરોડના ફટાકડા જપ્ત
- ચાંગોદરમાં ગેરકાયદે ધમધમતા બે ગોડાઉન ઝડપાયા, બે આરોપીઓની ધરપકડ
- કરોડો રૂપિયાનો વિસ્ફોટક જથ્થો ઝડપાતા અમદાવાદમાં મચ્યો હચમચાટ
- ૬૫,૯૫૪ કાર્ટુન કબ્જે કરી માલિક અને મેનેજર સળિયા પાછળ ધકેલાયા
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં તાજેતરમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીષણ બ્લાસ્ટની દુર્ઘટના બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે. વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા ગેરકાયદે ધમધમતા એકમો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે ૨૧ જુલાઈએ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોડાસરથી અમથાપુરા રોડ પર આવેલા બે ગેરકાયદેસર ગોડાઉન પર અચાનક રેડ પાડી હતી. આ બંને સામસામે આવેલા અંબિકા ટ્રેડલિંક નામના ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, જેની પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે આ બંને ગોડાઉનમાંથી કુલ ૬૫,૯૫૪ કાર્ટુન ફટાકડાના જપ્ત કર્યા છે, જેની બજાર કિંમત અંદાજે ૩૯,૫૭,૯૦,૦૦૦ રૂપિયા થાય છે. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, આ ગોડાઉનોમાં પતરાના શેડ બનાવીને ગેરકાયદેસર રીતે વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. સ્થળ પર પ્રાથમિક તપાસમાં ફાયર સેફટીના પૂરતા સાધનો કે વોટર સ્પ્રીન્ક્લર જોવા મળ્યા નહોતા અને સુરક્ષાના નિયમોની સરેઆમ ધજાગ્યા ઉડાવવામાં આવી હતી, જેના કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની પૂરી શક્યતા હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે ગોડાઉનના માલિક અમિતકુમાર મોદી અને મેનેજર કિશન પટેલની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસમાં પકડાયેલા આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૨૫ અને ૨૮૮ તેમજ વિસ્ફોટક અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હવે આ કંપનીની કાયદેસરની રચના, લાયસન્સની સ્થિતિ, મંજૂર નકશા અને અન્ય જવાબદાર વ્યક્તિઓની સંડોવણી વિશે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વસ્ત્રાલની ફેક્ટરી બ્લાસ્ટની ઘટનામાં મૃત્યુઆંક ૧૦ પર પહોંચ્યો છે, ત્યારે આ પ્રકારે શહેરમાં ચાલતા ગેરકાયદે એકમો સામે પોલીસની આ લાલ આંખ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.
વસ્ત્રાલ બ્લાસ્ટ અને ગેરકાયદે ગોડાઉન
અમદાવાદના વસ્ત્રાલમાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ પોલીસ પ્રશાસન દ્વારા ગેરકાયદેસર રીતે ધમધમતા ફટાકડાના ગોડાઉનો અને એકમો સામે કડક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ચાંગોદર પોલીસ દ્વારા ઝડપાયેલા ૩૯.૫૭ કરોડના ફટાકડાના જથ્થાએ વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ખડા કર્યા છે કે અગાઉ આટલી મોટી માત્રામાં ગેરકાયદેસર સંગ્રહ કેવી રીતે થતો હતો. સુરક્ષાના સાધનો વગર ચાલતા આવા ગોડાઉનો સામાન્ય નાગરિકોના જાનમાલ માટે મોટો ખતરો સાબિત થઈ શકે છે.