Loading Please Wait !!!
સુરતની કલાનું અદભૂત પ્રદર્શન: 6 મીટરની સાડીમાં વણાઈ આખી રામાયણ

  • 45 દિવસની મહેનત અને 3000 કલર શેડ્સ સાથે તૈયાર થઈ અનોખી સાડી
  • સરસાણા એક્સપોમાં 20,000થી વધુ લોકોએ નિહાળી અદભુત કલાત્મકતા
  • પ્રિતેશ સાસપરાની 45 દિવસની મહેનત રંગ લાવી, વેપારીઓનો ઓર્ડર માટે ધસારો

સિટી ન્યુઝ @ સુરત

ટેક્સટાઈલ સિટી સુરત હંમેશા તેની નવીનતા અને અવનવા કલેક્શન માટે વિશ્વભરમાં જાણીતું છે. હાલમાં સુરતના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયેલા એક્સપોમાં એક અદભુત કલાત્મક સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના વીવર પ્રિતેશ સાસપરા દ્વારા તૈયાર કરવામાં આવેલી 6 મીટર લાંબી આ સાડી પર સમગ્ર રામાયણના પ્રસંગો વણી લેવામાં આવ્યા છે. આ અનોખી કલાને જોવા માટે એક્સપોના પ્રથમ બે દિવસમાં જ 20,000 થી વધુ મુલાકાતીઓ ઉમટી પડ્યા છે.

આ ભવ્ય સાડી તૈયાર કરવા પાછળ પ્રિતેશ સાસપરાની 45 દિવસની અથાક મહેનત રહેલી છે. ખાસ કરીને રામાયણના પાત્રોને વાસ્તવિક લુક આપવા માટે ડિઝાઈનના સ્કેચ તૈયાર કરવામાં જ 25 દિવસનો સમય લાગ્યો હતો. ત્યારબાદ રેપિયર જેકાર્ડ મશીન પર વણાટ કરી પોઝિશન પ્રિન્ટિંગ દ્વારા તેને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો. રામાયણના પાત્રોને જીવંત બનાવવા માટે આ સાડીમાં નાની-નાની વિગતો સાથે 3,000 જેટલા અલગ-અલગ કલર શેડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને એક માસ્ટરપીસ બનાવે છે.

આ સાડીમાં પ્રભુ શ્રીરામ અને માતા સીતાજીનો સ્વયંવર, લક્ષ્મણ રેખા, સીતા હરણ, કેવટ મિલાપ અને રામ-હનુમાન મિલાપ જેવા હૃદયસ્પર્શી પ્રસંગોને આબેહૂબ રીતે કંડારવામાં આવ્યા છે. હાલમાં આ સાડી માત્ર એક સેમ્પલ તરીકે પ્રદર્શિત કરવામાં આવી છે, પરંતુ તેની અદભુત સુંદરતા અને કારીગરી જોઈને દેશ-વિદેશના અનેક વેપારીઓએ અત્યારથી જ મોટા ઓર્ડર આપવાની તૈયારી દર્શાવી છે. સુરતની ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારની નવીનતા આવનારા સમયમાં નવા ટ્રેન્ડ સેટ કરી શકે છે.

ભારતીય સંસ્કૃતિનું ટેક્સટાઈલ પર નિરૂપણ

આપણી ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક ગ્રંથોને ટેક્સટાઈલના માધ્યમથી રજૂ કરવાનો આ પ્રયાસ પ્રશંસનીય છે. સાડી જેવી પરંપરાગત વસ્ત્રકલા પર રામાયણ જેવા મહાકાવ્યનું નિરૂપણ કરીને સુરતી કારીગરોએ વિશ્વભરમાં એક નવી ઓળખ ઊભી કરી છે. આ સાડી માત્ર એક પહેરવેશ નથી, પરંતુ ભારતીય કલા અને ભક્તિનું એક ઉત્તમ ઉદાહરણ છે. કારીગરોની આ સજાગતા અને મહેનત જ ટેક્સટાઈલ માર્કેટને ગ્લોબલ લેવલ પર સફળ બનાવી શકે છે.