સુરતના ખખડધજ રસ્તા જોઈ ભાજપના સાંસદ ગોવિંદ ધોળકિયા ભડક્યા
- કોઈના પેટનું પાણી નથી હલતું કહી મેયર અને કમિશનરને મોકલ્યો વીડિયો
- બિસ્માર રસ્તાઓથી ત્રસ્ત થઈને ઉદ્યોગપતિ સાંસદે ઉઠાવ્યા સવાલો
- એરપોર્ટ રોડની કાદવ-કીચડવાળી હાલત પર વીડિયો વાયરલ થતાં હોબાળો
સિટી ન્યુઝ @ સુરત
સુરતમાં મહાનગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે પ્રજા ભારે મુશ્કેલીઓ ભોગવી રહી છે, અને હવે આ પરિસ્થિતિ માત્ર સામાન્ય નાગરિકો પૂરતી સીમિત નથી રહી પરંતુ રાજ્યસભા સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પણ તેનાથી ત્રસ્ત થઈ ગયા છે. રવિવારે (૧૯ જુલાઈ) ઈચ્છાપોર વિસ્તારમાંથી એરપોર્ટ જઈ રહેલા ગોવિંદ ધોળકિયા રસ્તાની અત્યંત બિસ્માર અને કાદવ-કીચડથી ભરેલી હાલત જોઈને રોષે ભરાયા હતા. તેમણે ચાલુ કારમાંથી જ રોડની દયનીય પરિસ્થિતિ દર્શાવતો વીડિયો બનાવીને "સુરતની શરમજનક સ્થિતિ છે, કોઈના પેટનું પાણી નથી હલતું" તેમ કહી પોતાનો ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
આ મામલે ખુલાસો કરતા સાંસદના અંગત સચિવે જણાવ્યું હતું કે આ વીડિયો માત્ર તંત્ર જાગે તે હેતુથી મેયર માયા માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન અને શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલને જ અંગત રીતે મોકલવામાં આવ્યો હતો, પરંતુ તે સોશિયલ મીડિયામાં કઈ રીતે વાયરલ થયો તેની કોઈ જાણકારી નથી. વીડિયો સામે આવ્યા બાદ વિરોધપક્ષ અને નેટીઝન્સે શાસક પક્ષ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે. લોકો સવાલો ઉઠાવી રહ્યા છે કે જો એક અબજોપતિ સાંસદ અને ઉદ્યોગપતિને પણ રસ્તાની ખરાબ હાલત સામે કેમેરા સામે આવીને ફરિયાદ કરવી પડતી હોય, તો સામાન્ય પ્રજાની વેદના કોણ સાંભળશે?
ઈચ્છાપોર વિસ્તારમાં હીરા બુર્સ અને ડાયમંડ યુનિટ્સ આવેલા હોવાથી આ વૈશ્વિક મહત્વના ઔદ્યોગિક વિસ્તારમાં રોજ દેશ-વિદેશના વેપારીઓની અવરજવર રહે છે. આવા મહત્વના માર્ગ પર ખાડા અને કાદવ-કીચડ હોવાથી સુરતની છબી પણ ખરડાઈ રહી છે, જેના કારણે ઉદ્યોગકારોમાં પણ અસંતોષ વ્યાપી ગયો છે. મનપાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ આ એક વીડિયોથી પોકળ સાબિત થયા છે અને ભાજપના જ સાંસદે સવાલો ઉઠાવતા આંતરિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
- સાંસદના વીડિયોથી મનપાના દાવાઓની પોલ ખુલી
સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી-મોન્સૂન કામગીરી અને વિકાસના મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે એરપોર્ટ અને ડાયમંડ બુર્સ જેવા મહત્વના માર્ગો પણ બિસ્માર હાલતમાં છે. ભાજપના જ સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા રસ્તાઓની દયનીય સ્થિતિનો વીડિયો બનાવીને સીધા જ મેયર અને કમિશનરને મોકલવો પડ્યો તે વહીવટી તંત્રની નિષ્ક્રિયતા અને બેજવાબદાર વલણનો સ્પષ્ટ પુરાવો છે, જેના કારણે શાસક પક્ષે પણ ભારે ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.