કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬: વેઇટ લિફ્ટર બિંદિયારાની દેવીએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને અપાવ્યો છઠ્ઠો મેડલ!
-
ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જારી છે.
-
મણિપુરની ૨૭ વર્ષીય બિંદિયારાની દેવીએ કુલ ૧૯૯ કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.
-
ગેમ્સના ઇતિહાસમાં બિંદિયારાની દેવીનો આ સતત બીજો મેડલ છે, જેનાથી દેશભરમાં ખુશીની લહેર છે.
સિટી ન્યુઝ @ ગ્લાસ્ગો
ગ્લાસ્ગોમાં રમાઈ રહેલી કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય વેટલિફ્ટરોનું શાનદાર પ્રદર્શન સતત યથાવત રહ્યું છે. મણિપુરની ૨૭ વર્ષીય વેઇટ લિફ્ટર બિંદિયારાની દેવીએ મહિલાઓની ૫૮ કિગ્રા કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા ૧૯૯ કિગ્રા વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. કૉમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં બિંદિયારાની દેવીનો આ સતત બીજો મેડલ છે, જેણે દેશનું નામ રોશન કર્યું છે. આજના જ દિવસે અગાઉ જ્ઞાનેશ્વરી યાદવે પણ વેઇટ લિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતીને ભારતની પદક સફરને મજબૂત બનાવી હતી.
આ અગાઉની સ્પર્ધાઓ અને આજના વિજયો સાથે ભારતે કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં કુલ ૬ મેડલ (૧ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૨ બ્રોન્ઝ) મેળવી લીધા છે અને મેડલ ટેલીમાં ૮મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બિંદિયારાની દેવીએ સ્નેચ રાઉન્ડમાં ૮૭ કિગ્રા અને ક્લીન એન્ડ જર્કના બીજા પ્રયાસમાં ૧૧૨ કિગ્રા વજન સફળતાપૂર્વક ઉપાડીને આ ઉપલબ્ધિ હાંસલ કરી છે. આ ઇવેન્ટમાં નાઇજીરિયાની એરએફ લવાલે ગેમ્સ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે, જ્યારે કેનેડાની ખેલાડીએ સિલ્વર મેડલ જીત્યો છે. ભારતીય ખેલાડીઓની આ મહેનતથી દેશભરના રમતગમત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારતના મેડલ વિજેતાઓની યાદી
કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં મીરાબાઈ ચાનૂએ ગોલ્ડ, જ્ઞાનેશ્વરી યાદવ, રાજા મુથુપાંડી અને ઋષિકાંત સિંહે સિલ્વર તથા બિંદિયારાની દેવી અને ઝંડુ કુમારે બ્રોન્ઝ મેડલ જીતીને દેશની શાન વધારી છે.