Loading Please Wait !!!
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 12 દર્દીઓના કરુણ મોત, 89 શંકાસ્પદ કેસ નોંધાયા

  • 15 સેમ્પલના રિપોર્ટ હજુ પેન્ડિંગ, પંચમહાલમાં સૌથી વધુ શંકાસ્પદ કેસો સામે આવ્યા.
  • આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને સેમ્પલ તપાસની કામગીરી સઘન બનાવાઈ.
  • ગાંધીનગર, ભાવનગર અને ભરૂચ સહિત અનેક જિલ્લાઓમાં નોંધાયા મોત.

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈને અત્યંત ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. તારીખ ૩૦ જૂનથી ૨૨ જુલાઈ, ૨૦૨૬ના સાંજે ૫ વાગ્યા સુધીમાં રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસના કુલ ૮૯ શંકાસ્પદ કેસ નોંધાઈ ચૂક્યા છે. આ શંકાસ્પદ કેસોમાંથી અત્યાર સુધીમાં ૧૮ કેસ ચાંદીપુરા પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે, જ્યારે આ પોઝિટિવ દર્દીઓમાંથી ૧૨ દર્દીઓના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયા છે.

લેબોરેટરી તપાસની વિગતો મુજબ, કુલ ૮૯ શંકાસ્પદ કેસોના સેમ્પલમાંથી ૭૪ સેમ્પલના ટેસ્ટ રિપોર્ટ મળી ચૂક્યા છે, જ્યારે હજુ પણ ૧૫ સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે. આગામી દિવસોમાં બાકી રહેલા સેમ્પલના પરિણામો આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો-ઘટાડો થઈ શકે છે.

જિલ્લાવાર આંકડાઓ પર નજર કરીએ તો, ચાંદીપુરા વાયરસના સૌથી વધુ ૨૩ શંકાસ્પદ કેસ પંચમહાલ જિલ્લામાં નોંધાયા છે, જેમાં ૨ કેસ પોઝિટિવ અને ૨ દર્દીના મૃત્યુ થયા છે. આ ઉપરાંત સાબરકાંઠામાં ૮ શંકાસ્પદ કેસમાંથી ૩ પોઝિટિવ અને ૨ મૃત્યુ, મહેસાણામાં ૫ કેસમાંથી ૨ પોઝિટિવ અને ૧ મૃત્યુ, ખેડામાં ૨ માંથી ૨ પોઝિટિવ, રાજકોટમાં ૫ માંથી ૧ પોઝિટિવ, AMC વિસ્તારમાં ૪ માંથી ૧ પોઝિટિવ અને ૧ મૃત્યુ, ભરૂચમાં ૨ માંથી ૧ પોઝિટિવ અને ૧ મૃત્યુ, ભાવનગરમાં ૨ માંથી ૧ પોઝિટિવ અને ૧ મૃત્યુ, તેમજ ગાંધીનગરમાં ૨ શંકાસ્પદ કેસમાંથી બંને પોઝિટિવ અને ૧ દર્દીનું મૃત્યુ નોંધાયું છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શંકાસ્પદ કેસો નોંધાવાને કારણે આરોગ્ય વિભાગ દ્વારા ભારે સતર્કતા દાખવવામાં આવી રહી છે. ચાંદીપુરા વાયરસના સંક્રમણને ફેલાતું અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલની તપાસ, વાહક નિયંત્રણ અને સઘન સર્વેલન્સની કામગીરી સતત જારી રાખવામાં આવી છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી ૧૨ ના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધી રહ્યો છે, જેમાં અત્યાર સુધીમાં ૧૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કુલ ૮૯ શંકાસ્પદ કેસો સામે આવ્યા છે અને હજુ ૧૫ રિપોર્ટ આવવાના બાકી છે. આરોગ્ય તંત્ર દ્વારા રોગચાળાને કાબૂમાં લેવા માટે સર્વેલન્સ અને તબીબી તપાસની કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે.