15 ફૂટ ઊંચી શ્રીજીની પ્રતિમા જોવા ભારે ભીડ: પોલીસ અને આયોજકોની વ્યવસ્થા નિષ્ફળ
-
ઘોડદોડ રોડના રામચોકમાં 'સરકાર ગ્રુપ'ના ગણેશજીની ઝલક મેળવવા હજારો ભક્તો ઉમટ્યા
-
પગ મૂકવાની જગ્યા ન રહેતાં નાસભાગ: રસ્તા પર ચારેતરફ ચંપલો અને જૂતાં વિખેરાયા
-
ભીડમાં શ્વાસ લેવામાં તકલીફ થતાં મહિલાઓ દબાઈ, વિખૂટું પડેલું બાળક મળતાં માતા રડી
સિટી ન્યુઝ @ સુરત
સુરત શહેરમાં ગણેશ ચતુર્થીના તહેવારને હજુ દોઢ મહિના જેટલો સમય બાકી છે ત્યાં અત્યારથી જ શ્રીજીના આગમનની ભવ્ય શરૂઆત થઈ ચૂકી છે. 23 August ની રાત્રે શહેરના પોશ વિસ્તાર એવા ઘોડદોડ રોડ પર આવેલા રામચોક ખાતે 'સરકાર' ગ્રુપ દ્વારા આયોજિત ગણેશજીની પ્રતિમાના આગમન વખતે એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. જોકે અનુમાન બહારની જનમેદની સામે આયોજકો અને સ્થાનિક પોલીસની ભીડ નિયંત્રણ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ હતી.
ઘોડદોડ રોડ પર પગ મૂકવાની પણ જગ્યા ન બચતાં અચાનક ભારે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા અને નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. આ ગંભીર અંધાધૂંધી વચ્ચે મોટી સંખ્યામાં મહિલાઓ ભીડમાં દબાઈ ગઈ હતી, જેના લીધે અનેક લોકોને ગૂંગળામણ અને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગી હતી. આ અફરાતફરીમાં 1 નાનું બાળક પોતાની માતાથી છૂટું પડી ગયું હતું, જે લાંબી શોધખોળ બાદ હેમખેમ મળી આવતાં માતા તેને ભેટીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી.
પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે નાસભાગના કારણે લોકોના ચંપલ અને સેન્ડલ છૂટી ગયા હતા, જેના પગલે સમગ્ર રસ્તા પર ચારેતરફ ચંપલોના ઢગલા ખડકાઈ ગયા હતા. આ સમગ્ર અરાજકતા વચ્ચે એક તરફ વાહનોની લાંબી કતારો સાથે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો, તો બીજી તરફ અસામાજિક તત્વો અને પોકેટમારો સક્રિય થઈ ગયા હતા. ખિસ્સાકાતરુઓએ ભીડનો ગેરલાભ ઉઠાવી અનેક ભક્તોના કિંમતી સ્માર્ટફોન અને રોકડ ભરેલા પર્સ સેરવી લીધા હતા.
આ સમગ્ર ઘટના અંગે સ્પષ્ટતા કરતા આયોજક તપનસિંહ રાજપૂતે જણાવ્યું કે તેઓ દર વર્ષે નિયમિત આયોજન કરે છે, પરંતુ આ વર્ષે અપેક્ષા કરતાં ઘણી વધુ ભીડ ઉમટી પડી હતી. જ્યારે ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. જે. ચૌધરીએ જણાવ્યું કે પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક નિયંત્રણ અને પરિસ્થિતિ સામાન્ય કરવા માટે જરૂરી કામગીરી કરી હતી.
નોંધનીય છે કે સુરતમાં 'સરકાર ગ્રુપ' દ્વારા છેલ્લા 21 વર્ષથી આ જ ભવ્ય સ્વરૂપની 15 ફૂટથી વધુ ઊંચી ગણેશ પ્રતિમા લાવવાની પરંપરા છે. કારીગરો દ્વારા ખાસ તૈયાર કરાયેલી આ પ્રતિમાનું ઘોડદોડ રોડથી ભવ્ય આગમન યોજાયા બાદ અંતે સિટી લાઈટ વિસ્તારમાં વિધિવત સ્થાપના કરવામાં આવી છે. આયોજકોએ સ્પષ્ટ કર્યું છે કે વહીવટી તંત્ર પાસેથી તમામ જરૂરી પરવાનગીઓ અગાઉથી મેળવી લેવામાં આવી હતી.
સુરતમાં ગણેશ આગમનમાં નાસભાગ જેવા દ્રશ્યો
સુરતના ઘોડદોડ રોડ પર 'સરકાર ગ્રુપ'ના ગણેશજીના આગમન વખતે હજારોની ભીડ ઉમટતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ધક્કામુક્કીમાં મહિલાઓ ગભરાઈ ગઈ હતી અને રસ્તા પર ચંપલના ઢગલા થઈ ગયા હતા. વ્યવસ્થા ખોરવાતાં પોકેટમારોએ અનેક લોકોના મોબાઈલ-પર્સ ચોરી લીધા હતા. બાદમાં પ્રતિમાની સિટી લાઈટમાં સ્થાપના કરાઈ હતી.