સુરતમાં ગણેશ આગમનમાં સંજય દત્ત વીડિયો કોલથી જોડાયા: ભારે ભીડમાં ટેબલ તૂટતાં નાસભાગ અને અફરાતફરી
-
બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વર્ચ્યુઅલી જોડાતાં જ પ્રતિમા પાસે એકત્રિત થઈ બેકાબૂ ભીડ
-
વીડિયોગ્રાફર્સ માટે બનાવાયેલું ઊંચું ટેબલ તૂટી પડતાં અનેક લોકો પટકાયા, નાની-મોટી ઈજાઓ થઈ
-
અગાઉ 23 ઓગસ્ટે સર્જાયેલી અવ્યવસ્થામાંથી બોધપાઠ લીધા વિના ફરી ગંભીર બેદરકારીનું પુનરાવર્તન
સિટી ન્યુઝ @ સુરત
સુરતના પોશ ગણાતા ઘોડદોડ રોડ નજીક આવેલા રામચોક ખાતે 'સરકાર ગ્રુપ' દ્વારા આયોજિત ગણેશ આગમન યાત્રા દરમિયાન ભારે અફરાતફરી અને ગેરવ્યવસ્થાનો માહોલ સર્જાયો હતો. આ યાત્રામાં બોલિવૂડ અભિનેતા સંજય દત્ત વીડિયો કોલ મારફતે વર્ચ્યુઅલી જોડાયા હતા. સંજય દત્ત સ્ક્રીન પર દેખાતાં જ તેમને નિહાળવા માટે હજારોની સંખ્યામાં ઉપસ્થિત યુવાનો અને ભક્તો પ્રતિમા તરફ ધસી ગયા હતા, જેના કારણે નાસભાગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
અપેક્ષા કરતાં વધુ ભીડ ઉમટી પડતાં પગ મૂકવાની જગ્યા નહોતી રહી. આ દરમિયાન વિડીયોગ્રાફર્સ માટે ઊભું કરાયેલું ઊંચું ટેબલ ભીડના ભારને કારણે અચાનક તૂટી પડ્યું હતું. ટેબલ ધરાશાયી થતાં તેના પર ઊભેલા કેમેરામેન અને અન્ય નાગરિકો નીચે પટકાયા હતા, જેમાં કેટલાક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. બેકાબૂ બનેલી ભીડમાં નીચે પડેલા લોકો કચડાઈ જવાની ભીતિ વચ્ચે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા અને ગૂંગળામણના કારણે અનેક ભક્તોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
આ સમગ્ર ઘટનામાં સુરત પોલીસ તેમજ આયોજકોનું ક્રાઉડ મેનેજમેન્ટ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું હતું. આ અરાજકતાનો લાભ ઉઠાવીને ખિસ્સાકાતરુઓએ અનેક લોકોના પાકીટ અને કિંમતી સામાનની ચોરી કરી હતી. ઉપરાંત ઘોડદોડ રોડ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થતાં વાહનચાલકો કલાકો સુધી ફસાયા હતા. ઉલ્લેખનીય છે કે, માત્ર 8 દિવસ અગાઉ 23 ઓગસ્ટે પણ આ જ સ્થળે આવી ગંભીર અવ્યવસ્થા સર્જાઈ હતી, છતાં કોઈ બોધપાઠ ન લેવાતાં સ્થાનિક નાગરિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
સુરતમાં ગણેશ આગમનમાં નાસભાગ
સુરતના ઘોડદોડ રોડ પર સંજય દત્ત વીડિયો કોલથી ગણેશ આગમન યાત્રામાં જોડાતાં જ ભારે ભીડ એકઠી થઈ હતી. ધક્કામુક્કી વચ્ચે વિડીયોગ્રાફર્સનું ટેબલ તૂટી પડતાં લોકો નીચે પટકાયા હતા અને નાસભાગ મચી હતી. 8 દિવસમાં બીજીવાર પોલીસ અને આયોજકોનું મેનેજમેન્ટ ફ્લોપ રહેતાં સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો છે.