જામનગરમાં નિયાઝ પ્રસાદીમાં બાળકોની તકરારે લીધું હિંસક સ્વરૂપ
- સોઢા ફળીમાં બે જૂથ વચ્ચે સામસામો પથ્થરમારો, 5 લોહીલુહાણ
- મોહરમની નિયાઝમાં લાકડીઓ અને પથ્થરો ઉડ્યા, બંને પક્ષે સામસામી ફરિયાદ
- ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરાયો, પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો ધમધમાટ
સિટી ન્યુઝ @ જામનગર
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા સોઢા ફળીમાં મોહરમની નિયાઝ દરમિયાન બાળકોની મામૂલી તકરારે અત્યંત હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રસાદી લેવા બાબતે બાળકો વચ્ચે થયેલી સામાન્ય ધક્કામુક્કીમાં પરિવારોના વડીલો કૂદી પડ્યા હતા, જેને પગલે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું ખેલાયું હતું. આ જૂથ અથડામણમાં ભારે પથ્થરમારો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. આ હિંસક ઘટનામાં બંને પક્ષના કુલ 5 વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓ લોહીલુહાણ થયા હતા, જેના પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે.
આ હિંસક મામલે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદો નોંધાવવામાં આવી છે. પ્રથમ પક્ષ તરફથી અનવર સુલેમાન સંઘારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના દીકરીના દીકરા સાથે સામા પક્ષના બાળકની ધક્કામુક્કી થઈ હતી. આ બાબતની અદાવત રાખીને તનવીર ગુલામ જેડા, ઝરીનાબેન જેડા, હુશેનાબેન, જુબીબેન, શકીનાબેન, કાદર ઈસ્માઈલ ચૌહાણ અને ગુલામ રજાક જેડાએ ગેરકાયદેસર મંડળી રચી હતી. આ શખ્સોએ અપશબ્દો બોલીને પથ્થરમારો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. પોલીસે આ હુમલાખોરો સામે બીએનએસ (BNS) ની વિવિધ કલમો 125, 115, 118, 352 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.
બીજી તરફ સામા પક્ષના ઝરીનાબેન ગુલામ રજાક જેડાએ પણ પોલીસમાં વળતી ફરિયાદ નોંધાવી છે. ઝરીનાબેનના જણાવ્યા અનુસાર, જ્યારે તેઓ બાળકો વચ્ચેની તકરાર બાબતે સામા પક્ષને સમજાવવા ગયા હતા, ત્યારે યાસ્મીન અનવર સંઘાર, અનવર સંઘાર, ફરીદાબેન અને એજાજ સંઘાર ઉશ્કેરાઈ ગયા હતા. આ શખ્સોએ ગાળો આપીને મારપીટ શરૂ કરી હતી, જેમાં અનવર સંઘારે લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ વળતી ફરિયાદના આધારે પણ કલમ 115, 352, 351 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધીને વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે વધુ કડક તપાસ હાથ ધરી છે.
બાળકોની તકરારમાં વડીલોની સમજદારી જરૂરી
સમાજમાં બાળકો વચ્ચે રમતા રમતા કે કોઈ સામાન્ય બાબતે બોલાચાલી થવી એ અત્યંત સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ આવી મામૂલી ઘટનાઓમાં વડીલોએ આવેશમાં આવીને હિંસા પર ઉતરી આવવાને બદલે સમજદારીથી કામ લેવું જોઈએ. બાળકોની તકરારમાં મોટા લોકો જ્યારે દુશ્મનાવટ બાંધી લે છે, ત્યારે સામાજિક શાંતિ જોખમાય છે અને આખરે કાનૂની કાર્યવાહીનો સામનો કરીને પરિવારોએ જ સહન કરવાનો વારો આવે છે.