Loading Please Wait !!!
CM સ્વાગતમાં ખોટા જવાબો આપ્યાનો આક્ષેપ, ST વિભાગીય નિયામક સામે કાર્યવાહી માંગ

 

વોલ્વો ડેપો રાત્રે 9 વાગ્યા પહેલાં બંધ થતો હોવાનો દાવો; 24 કલાકનો ઈન્ક્વાયરી નંબર જાહેર કરવા પણ માંગ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ ST બસપોર્ટના વોલ્વો વેઈટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ વહેલા બંધ થતા મુસાફરોને પડતી હાલાકી અંગે કરાયેલી રજૂઆતના જવાબમાં ખોટી વિગતો આપવામાં આવી હોવાનો આક્ષેપ સિનિયર સામાજિક આગેવાન ચંદ્રેશભાઈ રાઠોડે કર્યો છે. આ મામલે તેમણે મુખ્યમંત્રી જનસંપર્ક કાર્યાલય, ગાંધીનગર અને રાજકોટ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી STના વિભાગીય નિયામક એમ.પી. રાજ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ચંદ્રેશભાઈ રાઠોડના જણાવ્યા મુજબ, વોલ્વો વેઈટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ રાત્રે એકથી દોઢ કલાક વહેલા બંધ થઈ જતા મુસાફરોને મુશ્કેલી પડે છે. આ અંગે અગાઉ વિભાગીય નિયામકને રજૂઆત કરાઈ હતી. ત્યારબાદ ઓગસ્ટના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં પણ આ પ્રશ્ન રજૂ કરાયો હતો.તેમણે જણાવ્યું કે, જિલ્લા કલેક્ટરેને વિભાગીય નિયામક દ્વારા ૧૩ ઓગસ્ટે આપવામાં આવેલા જવાબમાં વોલ્વો વેઇટિંગ રૂમ રાત્રે ૯ વાગ્યા સુધી કાર્યરત રહેતો હોવાનું જણાવાયું છે. જ્યારે તેમના જણાવ્યા મુજબ વોલ્વો ડેપો પર સવારે ૫થી રાત્રે ૧૦ વાગ્યા સુધીનો સમય દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે. રાત્રિના સમયે માત્ર ૮ નહીં પરંતુ આશરે ૧૫ જેટલી વોલ્વો બસો આવતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે. વોલ્વો ડેપો બંધ થયા બાદ મુખ્ય કંટ્રોલરૂમ ૨૪ કલાક કાર્યરત હોવાના ST તંત્રના જવાબ અંગે પણ તેમણે સવાલ ઉઠાવ્યો છે.

તેમના જણાવ્યા મુજબ ડેપોનો સ્ટાફ, ડેપો મેનેજર અને ઇન્કવાયરી વિભાગ અલગ હોવાથી કંટ્રોલરૂમમાંથી મુસાફરોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે કે નહીં તેની વાસ્તવિક તપાસ થવી જરૂરી છે. ચંદ્રેશભાઈએ રજૂઆતમાં છેલ્લા છ મહિનાના CCTV ફૂટેજની તપાસ કરવાની માંગ કરી હોવા છતાં વિભાગીય નિયામકના જવાબમાં તેનો ઉલ્લેખ ન હોવાનું જણાવ્યું છે. વોલ્વો ડેપો બંધ થયા બાદ મુસાફરોને બેસવાની યોગ્ય જગ્યા મળતી ન હોવા તેમજ ACની સુવિધા માટે ચાર્જ વસૂલાતો હોવા છતાં પંખાની સુવિધા ન મળતી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે.આગામી રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને મુસાફરોને હાલાકી ન પડે તે માટે વોલ્વો વેઇટિંગ રૂમ અને એડવાન્સ બુકિંગ રૂમ રાત્રે ૨ વાગ્યા સુધી ખુલ્લા રાખવા તેમજ ૨૪ કલાકનો ઇન્કવાયરી નંબર તાત્કાલિક જાહેર કરવાની માંગ તેમણે કરી છે.