પેપર લીક કૌભાંડો સામે કોંગ્રેસનું મોટું હથિયાર, નવી એપ્લિકેશન લોન્ચ
- શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા અને વિદ્યાર્થીઓના હિત માટે 'યોર એજ્યુકેશન, યોર ફાઈટ' એપથી છેડ્યું આંદોલન
- મોરબીથી યુવાઓના અવાજને બુલંદ કરવા ખાસ એપ્લિકેશન લોન્ચ, શિક્ષણના કૌભાંડોનો થશે પર્દાફાશ
- NEET સહિત 48 પરીક્ષાઓ રદ થતાં લાખો વિદ્યાર્થીઓ રોળાયા, કોંગ્રેસે આરપારની લડાઈનું કર્યું આહ્વાન
સિટી ન્યુઝ @ મોરબી
છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં પરીક્ષાઓના પેપર ફૂટી જવાના બનાવોએ માઝા મૂકી છે, ત્યારે હવે લાખો વિદ્યાર્થીઓ અને યુવાનોના અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસ પાર્ટી આક્રમક મૂડમાં આવી છે. શિક્ષણ વ્યવસ્થાના કૌભાંડોને ખુલ્લા પાડવા અને તેમાં ધરમૂળથી સુધારા લાવવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસે “યોર એજ્યુકેશન, યોર ફ્યુચર અને યોર ફાઈટ” નામની એક નવી ડિજિટલ એપ્લિકેશન લોન્ચ કરી છે. કોંગ્રેસના મતે, પરીક્ષાઓ રદ થવી એ માત્ર કોઈ વહીવટી ભૂલ નથી, પરંતુ આખી સિસ્ટમની નિષ્ફળતા અને તેમાં આચરાતા મસમોટા કૌભાંડોનો સીધો પુરાવો છે.
આ ગંભીર મુદ્દે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એક ખાસ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રભારી હેમંગભાઈ વસાવડાના નેતૃત્વમાં યોજાયેલી આ પરિષદમાં સરકારની આકરી ઝાટકણી કાઢવામાં આવી હતી. હેમંગભાઈ વસાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં લેવાયેલી NEET ની પરીક્ષામાં પણ પેપર લીક થયાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. આ પરીક્ષા માટે દેશભરમાંથી 22 લાખ અને ગુજરાતમાંથી 80 હજાર જેટલા વિદ્યાર્થીઓએ રાત-દિવસ એક કરીને તૈયારીઓ કરી હતી. મોદી સરકારના છેલ્લા દસ વર્ષના શાસનમાં રેકોર્ડબ્રેક 89 જેટલા પેપર લીકના બનાવો નોંધાયા છે, જેના કારણે 48 જેટલી પરીક્ષાઓ ફરીથી લેવાની ફરજ પડી છે. વારંવાર બનતી આ ઘટનાઓએ વિદ્યાર્થીઓની મહેનત અને વાલીઓના આર્થિક બલિદાન પર પાણી ફેરવી દીધું છે.
પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નયનભાઈ અઘારા, શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, કે.ડી. પડસુંબિયા અને રાજુભાઈ કાવર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસે યુવાનો અને વાલીઓને આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પક્ષ સાથે જોડાવા આહ્વાન કર્યું છે. આ પ્લેટફોર્મ મારફતે યુવાનો શિક્ષણ વ્યવસ્થામાં કેવા ફેરફારો જોઈએ છે તેના સૂચનો આપી શકશે અને સિસ્ટમ સામે પોતાની લડાઈ મજબૂતીથી લડી શકશે.
શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા સમયની માંગ
જ્યારે કોઈ પરીક્ષાનું પેપર લીક થાય છે, ત્યારે માત્ર એક પ્રશ્નપત્ર નથી ફૂટતું, પરંતુ લાખો યુવાનોના સપના અને પરિવારોના ભવિષ્ય રોળાઈ જાય છે. યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમની સાથે થતો આ અન્યાય સરવાળે દેશના વિકાસને પાછળ ધકેલે છે. કૌભાંડીઓ સામે કડકમાં કડક કાયદાકીય જોગવાઈ અને પરીક્ષા પદ્ધતિમાં 100 ટકા પારદર્શિતા લાવવી એ હવે ભવિષ્યની પેઢીને બચાવવા માટે અનિવાર્ય બની ગયું છે. યુવાનોની આ ડિજિટલ લડાઈ આગામી સમયમાં સિસ્ટમ માટે એક મોટો પડકાર સાબિત થઈ શકે છે.