Loading Please Wait !!!
વાપીના રોયલ હબ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં હોનારત: ૭૮ ગોડાઉનમાં ૧૫ ફૂટ પાણી ભરાતા કરોડોનું નુકસાન!

 

  • વાપીના વલવાડા રોયલ હબ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં મધુબન ડેમના પાણી છોડાતા ભયાવહ સ્થિતિ સર્જાઈ.

  • અંદાજે ૭૮ જેટલા ગોડાઉનમાં ૧૦ થી ૧૫ ફૂટ સુધી પાણી ઘૂસી જવાથી મશીનરી અને માલસામાન નષ્ટ પામ્યા.

  • પ્રિન્ટિંગ, ઓઇલ, પેકેજિંગ અને તબીબી સાધનોના એકમોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો.

સિટી ન્યુઝ @ વાપી

વાપી, તા. ૨૫ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ મધુબન ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા દમણગંગા નદીમાં આવેલા પૂરે વાપી નજીક વલવાડા ગામ સ્થિત રોયલ હબ ઈન્ડસ્ટ્રિયલ પાર્કને ભારે નુકસાન પહોંચાડ્યું છે. પાર્કમાં આવેલા અંદાજે ૭૮ જેટલા ગોડાઉનમાં ૧૦ થી ૧૫ ફૂટ સુધી વરસાદી અને પૂરનું પાણી ઘૂસી જતાં અનેક નાના અને મધ્યમ ઉદ્યોગકારોને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પાણી ઓસર્યા બાદ પણ સમગ્ર વિસ્તાર કાદવમાં ફેરવાઈ ગયો છે, જેના કારણે ઉદ્યોગકારો અને કર્મચારીઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, ૨૪ જુલાઈના રોજ ઉપરવાસના ભારે વરસાદને કારણે મધુબન ડેમમાંથી પાણી છોડાતા નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. કલાકોમાં જ વલવાડા સ્થિત આ ઇન્ડસ્ટ્રિયલ પાર્કના ગોડાઉનોમાં પાણી ભરાઈ જતાં ઉદ્યોગકારોને પોતાનો માલસામાન સુરક્ષિત ખસેડવાની તક પણ મળી નહોતી. ગોડાઉનમાં રાખવામાં આવેલો તૈયાર માલ, કાચો માલ, મશીનરી અને ઇલેક્ટ્રિકલ સાધનો પાણીમાં ડૂબી ગયા હતા. આ પાર્કમાં પ્રિન્ટિંગ, ટેક્સટાઇલ, ઓઇલ, પેકેજિંગ અને તબીબી ક્ષેત્રના નાના એકમો કાર્યરત છે, જેને મોટો ફટકો પડ્યો છે.

પાણી ઓસર્યા બાદ પ્રવેશદ્વારથી લઈને આંતરિક માર્ગો પર કાદવનું સામ્રાજ્ય છવાઈ ગયું છે, જેથી વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. બીજી તરફ, ઘટનાના ૧૨ કલાક પછી પણ કોઈ જવાબદાર અધિકારી સ્થળની મુલાકાતે ન પહોંચતા ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રભાવિત ઉદ્યોગકારોએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર અને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.