Loading Please Wait !!!
ગુજરાત ભાજપમાં ફફડાટ: હર્ષ સંઘવી, રિવાબા સહિતના મંત્રીઓની સોશિયલ મીડિયા લોકપ્રિયતામાં મોટો કડાકો

 

  • એપ્રિલથી ઓગસ્ટ 2026 દરમિયાન ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર મંત્રીઓની લોકપ્રિયતા ઘટી

  • રિવાબા જાડેજાના સૌથી વધુ 5 લાખ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના 1.5 લાખ ઈન્સ્ટા ફોલોઅર્સ ઘટ્યા

  • જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા, ઈશ્વરસિંહ પટેલ અને અર્જુન મોઢવાડિયાના સમર્થકોમાં પણ ઘટાડો

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાત સરકારના મંત્રીઓની સોશિયલ મીડિયા પરની લોકપ્રિયતામાં મોટો કડાકો બોલાયો છે. જમીની વાસ્તવિકતા અને પ્રજાના મૂળભૂત પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર કેમેરા સામે રીલ્સ અને ડિજિટલ પ્રચારમાં વ્યસ્ત રહેતા મંત્રીઓ સામે યુવા વર્ગમાં નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. એપ્રિલ 2026 થી ઓગસ્ટ 2026 ના ટૂંકા ગાળામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, રિવાબા જાડેજા, જીતુ વાઘાણી, કુંવરજી બાવળિયા સહિતના દિગ્ગજ મંત્રીઓના ફેસબુક, ટ્વિટર (X) અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ્સ પરથી લાખો ફોલોઅર્સ ઘટતાં ગાંધીનગર સચિવાલય તેમજ ભાજપ સંગઠનમાં ભારે ચર્ચા જાગી છે.

આંકડાકીય વિગતો મુજબ, ઇન્સ્ટાગ્રામ પર ધારાસભ્ય રિવાબા જાડેજાના સમર્થકોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે અને તેમના આશરે 5 લાખ ફોલોઅર્સ ઘટ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના દોઢ લાખથી વધુ, જ્યારે મનીષા વકીલના 15 હજાર ફોલોઅર્સ ઘટ્યા છે. ટ્વિટર પર કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી અર્જુન મોઢવાડિયાના ચાહકોની સંખ્યા ઘટી છે. આ ઉપરાંત ફેસબુક પર મંત્રી કુંવરજી બાવળિયાના 21 હજાર અને ઈશ્વરસિંહ પટેલના 20 હજારથી વધુ ફોલોઅર્સ ઓછા થયા છે. સંજય મહિડા અને કમલેશ પટેલ જેવા મંત્રીઓના ખાતાઓમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

રાજકીય વિશ્લેષકોના મતે, જનતા પોતાના વિસ્તારના રસ્તા, પાણી, બેરોજગારી અને મોંઘવારી જેવા પ્રશ્નો લઈને સચિવાલયના ધક્કા ખાઈ રહી છે, ત્યારે મંત્રીઓ પીઆર એજન્સીઓ પાછળ લાખોનો ખર્ચ કરીને માત્ર વર્ચ્યુઅલ છબી ચમકાવવામાં વ્યસ્ત છે. આ પોકળ ડિજિટલ પ્રચારથી કંટાળીને ખાસ કરીને 'જેન-ઝી' અને યુવા મતદારોએ મંત્રીઓને 'અનફોલો' કરવાનું શરૂ કર્યું છે.

વિપક્ષે આ મુદ્દે આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે સરકાર માત્ર સોશિયલ મીડિયા પર ફિલ્ટરો લગાવીને ચાલી રહી છે. પ્રજાના વાસ્તવિક કામો કરવાને બદલે જો મંત્રીઓ માત્ર લાઈક્સ અને વ્યૂઝ પાછળ દોડશે, તો આગામી ચૂંટણીમાં જનતા તેમને ઈવીએમ પરથી પણ જાકારો આપશે.

મંત્રીઓના સોશિયલ મીડિયા ફોલોઅર્સ ઘટ્યા

ગુજરાતમાં પ્રજાના પ્રશ્નો અવગણી સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવતા મંત્રીઓની ડિજિટલ લોકપ્રિયતા ઘટી છે. રિવાબા જાડેજાના 5 લાખ, ગૃહમંત્રી હર્ષ સંઘવીના 1.5 લાખ સહિત જીતુ વાઘાણી અને કુંવરજી બાવળિયાના હજારો ફોલોઅર્સ ઘટતાં રાજકીય ગલિયારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.