ભાવનગરમાં નાયબ મામલતદારની દારૂના નશામાં ધમાલ: પોલીસે કરી ધરપકડ
- સુભાષનગર વિસ્તારમાં અધિકારીએ મચાવ્યો હોબાળો; બીજી વખત નશાની હાલતમાં ઝડપાયા
- નાયબ મામલતદાર મેહુલ ભટ્ટ લોકઅપના હવાલે; કેમેરા અને મોબાઈલ છીનવવાનો પ્રયાસ
- '112' પર ફરિયાદ મળતા ઘોઘારોડ પોલીસ દોડી; પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ.
સિટી ન્યુઝ @ ભાવનગર : ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં એક જવાબદાર સરકારી અધિકારી દ્વારા કાયદાના લીરેલીરા ઉડાવતી શરમજનક ઘટના સામે આવી છે. મધ્યાહન ભોજન યોજનામાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મેહુલ ભટ્ટ ફરી એકવાર દારૂના નશામાં ધૂત હાલતમાં ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. એક સરકારી અધિકારી હોવા છતાં જાહેરમાં નશાખોરી અને ગેરવર્તન બદલ ઘોઘારોડ પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વિગત મુજબ, સુભાષનગર વિસ્તારમાં આવેલા માનસ દર્શન બંગલોઝમાં રહેતા 53 વર્ષીય નાયબ મામલતદાર મેહુલ નિમેષભાઈ ભટ્ટ પોતાના ઘરે દારૂ પીધેલી હાલતમાં હોબાળો મચાવી રહ્યા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં '112' નંબર પર જાણ કરવામાં આવી હતી. કંટ્રોલ રૂમની સૂચનાના આધારે ઘોઘારોડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને નશામાં ચૂર હાલતમાં મળી આવેલા અધિકારીની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં પણ અધિકારીએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો. જ્યારે સ્થાનિક મીડિયાના પ્રતિનિધિઓ આ ઘટનાનું કવરેજ કરવા પહોંચ્યા, ત્યારે નશાખોર અધિકારીએ તેમની સાથે અત્યંત અભદ્ર ભાષામાં ગાળાગાળી કરી હતી. આટલું જ નહીં, મેહુલ ભટ્ટે કેમેરામેન પાસેથી મોબાઈલ અને રેકોર્ડિંગ કેમેરા છીનવી લેવાનો પ્રયાસ કરીને પોલીસ મથકની અંદર જ ભારે દાદાગીરી કરી હતી. અધિકારીના આ વર્તનને કારણે મીડિયાકર્મીઓમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચોંકાવનારી બાબત એ છે કે, આ અધિકારીનો નશાખોરીનો ઇતિહાસ જૂનો છે. આ પહેલા પણ તેઓ નિલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાની હાલતમાં ઝડપાઈ ચૂક્યા છે. વારંવાર કાયદાનું ઉલ્લંઘન કરનારા અને સરકારી હોદ્દાની ગરિમા લજવનારા આ નાયબ મામલતદાર સામે હવે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી જેલભેગા કર્યા છે. વારંવારની આ પ્રકારની વર્તણૂક છતાં અધિકારી સામે હજુ સુધી કોઈ મોટું ખાતાકીય પગલું લેવાયું નથી, જે ચર્ચાનો વિષય બન્યો છે.
સરકારી તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર બેસીને આ પ્રકારે નશાખોરી અને જાહેર જનતા તેમજ મીડિયા સાથે ગેરવર્તન કરનારા અધિકારી સામે કલેક્ટર કચેરી દ્વારા કેવા કડક પગલાં લેવામાં આવશે તેના પર સૌની નજર ટકેલી છે. સામાન્ય નાગરિક સામે કડક કાયદો લાદતી પોલીસ હવે પોતાના જ વિભાગના કે સંલગ્ન વિભાગના આવા 'ભાન ભૂલેલા' અધિકારી સામે કેવી મિસાલ કાયમ કરે છે તે જોવું રહ્યું. આ ઘટનાએ ભાવનગરના વહીવટી તંત્રની છબી ખરડાવી છે.