Loading Please Wait !!!
વડોદરામાં એન્જિનિયર સાથે 5.29 લાખની ઓનલાઈન ઠગાઈ

 

  • ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે યુવક

  • પ્લેસ્ટોર પરથી નકલી એપ ડાઉનલોડ કરાવી શરૂ કરી પ્રક્રિયા

  • વધારાની રકમ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી

સિટી ન્યુઝ @ વડોદરા

વડોદરામાં ઓનલાઈન લોન મેળવવાની લાલચ આપીને એક ખાનગી કંપનીના એન્જિનિયર સાથે આશરે રૂપિયા 5,29,310 ની ઠગાઈ આચરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ પ્રખ્યાત ફાઇનાન્સ કંપની બજાજ ફાઇનાન્સના નામે બોગસ દસ્તાવેજો, ખોટા બેંક ખાતાઓ અને ડિજિટલ છેતરપિંડી દ્વારા આ સમગ્ર ગુનાને અંજામ આપ્યો છે, જેને લઈને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ઘટનાની વિગતો મુજબ, પીડિત યુવકને ઓનલાઈન 6 લાખ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આરોપીઓએ અગાઉથી નક્કી કરેલા મોબાઈલ નંબર અને ઈમેલ દ્વારા સંપર્ક કરી પ્લેસ્ટોર પરથી એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. લોન પ્રક્રિયા દરમિયાન 6 લાખની જગ્યાએ મનસ્વી રીતે 8,78,736 રૂપિયાની લોન મંજૂર કરાવીને યુવકના ખાતામાં આવેલી વધારાની રકમ એટલે કે 2,79,308 રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.

આ ઠગાઈને અસલી જેવો ભ્રમ ઊભો કરવા માટે આરોપીઓએ બજાજ ફાઇનાન્સના નામે સહી-સિક્કાવાળી બનાવટી રિસિપ્ટ ઈમેલ દ્વારા મોકલી હતી. ત્યારબાદ ત્રણ મહિના સુધી લોનનો EMI ભરીને લોન સેટલમેન્ટ કરાવવાના બહાને વધુ 2,50,002 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. આમ, કુલ મળીને 5,29,310 રૂપિયાની માતબર રકમ પરત ન કરતા આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે તપાસ શરૂ કરી છે.

સાયબર સુરક્ષા અને સાવચેતી

ઓનલાઈન લોન કે નાણાકીય વ્યવહારો કરતી વખતે હંમેશા અધિકૃત એપ્લિકેશન્સ અને સત્તાવાર બેંક માધ્યમોનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈપણ અજાણ્યા વ્યક્તિની લાલચમાં આવીને ડિજિટલ દસ્તાવેજો કે ઓટીપી શેર કરવાથી મોટી આર્થિક નુકસાની થઈ શકે છે.