અમદાવાદનો હીટ એક્શન પ્લાન હવે યુરોપ અપનાવશે: વૈશ્વિક સ્તરે ભારતીય મોડેલની ચર્ચા
-
વર્ષ 2010 ની લૂ હોનારત બાદ AMC અને IIPH-G દ્વારા વર્ષ 2013 માં તૈયાર કરાયો હતો પ્લાન
-
રેડ અને ઓરેન્જ એલર્ટ તેમજ પૂર્વ ચેતવણી પ્રણાલીથી હજારો નાગરિકોના જીવ બચાવવામાં સફળતા મળી
-
જર્મની, ફ્રાન્સ, સ્પેન અને યુકેમાં હીટવેવથી સર્જાયેલી આરોગ્ય કટોકટી વચ્ચે ભારતીય મોડેલ આશાનું કિરણ
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ શહેરમાં વર્ષ 2010 ના ઉનાળા દરમિયાન પડેલી કાળઝાળ ગરમીમાં 1,300 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા બાદ તંત્ર દ્વારા લેવાયેલા કડક પગલાં આજે વૈશ્વિક સ્તરે માર્ગદર્શક સાબિત થઈ રહ્યા છે. તે દુર્ઘટનામાંથી બોધપાઠ લઈને વર્ષ 2013 માં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગર (IIPH-G) દ્વારા દક્ષિણ એશિયાનો સૌપ્રથમ સર્વગ્રાહી 'હીટ એક્શન પ્લાન' (HAP) અમલમાં મૂકવામાં આવ્યો હતો.
આ યોજના હેઠળ ઉનાળા દરમિયાન તાપમાન વધતાં જ રેડ અને ઓરેન્જ એલર્ટ જારી કરવાની, હોસ્પિટલોમાં ખાસ હીટ-વોર્ડ તૈયાર રાખવાની અને વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધી લોકોને વહેલી ચેતવણી આપવાની વ્યવસ્થા ઊભી કરાઈ હતી. આ અગમચેતીભર્યા વ્યવસ્થાપનને કારણે અત્યાર સુધીમાં હજારો નિર્દોષ નાગરિકોના જીવ બચાવી શકાયા છે.
હવે આ ભારતીય પહેલ તરફ સમગ્ર યુરોપિયન દેશોનું ધ્યાન ખેંચાયું છે. તાજેતરમાં જર્મની, ફ્રાન્સ, યુકે અને સ્પેન જેવા દેશોમાં અભૂતપૂર્વ હીટવેવને લીધે હજારો લોકોના મોત થતાં ત્યાં જાહેર આરોગ્ય ક્ષેત્રે ગંભીર કટોકટી સર્જાઈ છે. પરંપરાગત રીતો કારગત ન નીવડતાં યુરોપના નીતિ નિર્માતાઓ હવે અમદાવાદના આ પ્રાયોગિક અને અતિ અસરકારક મોડેલને અપનાવવાની તૈયારી કરી રહ્યા છે.
ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગ સ્થિત 'ચેક યુનિવર્સિટી ઓફ લાઈફ સાયન્સિસ' ખાતે 3 થી 9 સપ્ટેમ્બર દરમિયાન આબોહવા પરિવર્તન અને સ્વાસ્થ્ય વિષય પર આંતરરાષ્ટ્રીય સમર સ્કૂલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિષદમાં અમદાવાદ અને રાજકોટના હીટ એક્શન પ્લાનની સફળતાનું મોડેલ વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ કરનારા IIPH-G ના પ્રોફેસર મહાવીર ગોલેછા જણાવે છે કે સ્થાનિક સમુદાયોને સાથે રાખીને, ઓછા ખર્ચે સરકારી તંત્ર અને જાગૃતિ દ્વારા કેવી રીતે પરિણામ લાવી શકાય તે તેઓ યુરોપિયન દેશો સમક્ષ રજૂ કરશે. નિષ્ણાતોના મતે ભારતનું વ્યવહારુ મોડેલ અને યુરોપની અદ્યતન ટેકનોલોજીનું મિલન ક્લાઈમેટ ચેન્જના પડકારો સામે લડવામાં વૈશ્વિક સ્તરે ક્રાંતિકારી સાબિત થશે.
અમદાવાદનો હીટ એક્શન પ્લાન યુરોપ અપનાવશે
વર્ષ 2010 ની ભીષણ ગરમી બાદ AMC અને IIPH-G દ્વારા તૈયાર કરાયેલો અમદાવાદનો હીટ એક્શન પ્લાન હવે યુરોપ માટે માર્ગદર્શક બન્યો છે. યુરોપમાં હીટવેવથી ભારે જાનહાનિ થતાં પ્રાગ ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સમર સ્કૂલમાં અમદાવાદ અને રાજકોટના સફળ મોડેલને રજૂ કરવામાં આવશે. ઓછા ખર્ચે જીવન બચાવવાની આ વહેલી ચેતવણી પ્રણાલી વૈશ્વિક સ્તરે લાગુ કરવાની તૈયારી ચાલી રહી છે.