જેતપરમાં ખેડૂતોનો હુંકાર: ૨૦૨૭માં સરકાર ઉખેડી નાખવાની ચીમકી
- વીજપોલના વળતર મુદ્દે ૧૨ જિલ્લાના ખેડૂતો એકત્ર, આંદોલન પાર્ટ-૩ શરૂ
- જેતપર ખાતે ખેડૂતોની મહાબેઠક, સરકારના નવા પરિપત્રનો સખત વિરોધ
- પોતાની ઈચ્છા મુજબના વળતરની માંગ સાથે રાજ્યવ્યાપી આંદોલનનું રણશિંગું
સિટી ન્યુઝ @ જેતપર
મોરબીના જેતપર ગામે વીજપોલના વળતર મામલે ખેડૂતોનું આંદોલન હવે ત્રીજા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. ખાનગી વીજ કંપનીઓના વીજપોલ સામે પોતાની ઈચ્છા મુજબના વળતરની માંગ સાથે શરૂ થયેલી આ લડાઈ હવે રાજ્યવ્યાપી બની રહી છે. આંદોલનના ભાગરૂપે જેતપર ખાતે ૧૨ જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોએ સરકારને સીધી ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય, તો ૨૦૨૭ની ચૂંટણીમાં તેઓ સરકારને ઉખેડી નાખવા તૈયાર છે.
આ આંદોલન અગાઉ ૧૯ દિવસના આમરણાંત ઉપવાસથી શરૂ થયું હતું, પરંતુ સરકારે બહાર પાડેલા નવા પરિપત્રથી અસંતુષ્ટ ખેડૂતોએ આ લડતને વધુ આક્રમક બનાવવાનો નિર્ણય લીધો છે. બેઠકમાં મોરબી, જામનગર, કચ્છ, રાજકોટ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી અને ભાવનગર સહિતના ૧૨ જિલ્લાના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી સમયમાં આયોજનબદ્ધ રીતે વળતર મેળવવા માટેની રણનીતિ તૈયાર કરવાનો હતો.
આગામી વ્યૂહરચનાના ભાગરૂપે રાજ્યના અન્ય ૧૩ જિલ્લાના ખેડૂતો સાથે પણ આગામી દિવસોમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જિલ્લાઓ સાથે સંમતિ સાધ્યા બાદ ગુજરાત સ્તરની એક નવી ‘આંદોલન કમિટી’ની રચના કરવામાં આવશે. જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયત સ્તરે સમિતિઓ બનાવીને આંદોલનને વધુ સઘન બનાવવાની તૈયારી ખેડૂતોએ કરી છે. આ લડત હવે માત્ર વીજપોલ પૂરતી સીમિત ન રહેતા સરકાર માટે રાજકીય પડકાર બની રહી છે.