વળતર નહીં મળે તો મંત્રીઓને 108માં ઘાલવાના: રાકેશ અમૃતિયા
-
રાજમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈના વિવાદાસ્પદ નિવેદનથી સરકાર સામે આક્રમક ચેતવણી
-
ખેડૂતોને ચાર ગણા વળતરની માંગ સાથે આંદોલન વધુ તેજ કરવાની જાહેરાત, સરકાર પર અવગણનાના આક્ષેપ
સીટી ન્યૂઝ@રાજકોટ
મોરબી જિલ્લાના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને વધુ વેગ મળ્યો છે. ગઈકાલે ૯ જુલાઈએ રાત્રે યોજાયેલી બેઠકમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત ૧૨ જિલ્લાના ખેડૂતો ઉપવાસી છાવણીમાં એકત્ર થયા હતા. બેઠક દરમિયાન ખેડૂતો દ્વારા જમીન વળતર અને અન્ય પ્રશ્નોને લઈને પોતાના સૂચનો અને લાગણીઓ વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અંતે ૧૨ જિલ્લાના ખેડૂત આગેવાનોએ રાજસ્થાનની જેમ ૪ ગણા વળતરની માંગ કરી હતી. આ કાર્યક્રમમાં અંતે આભારવિધિમાં રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ તેમજ જેતપર આંદોલન સમિતિના સભ્ય અને ૧૯ દિવસ સુધી ઉપવાસ કરનારા રાકેશ અમૃતિયાએ સ્થાનિક પ્રશાસન, સરકાર અને રાજ્ય મંત્રીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઈટવાળી ગાડીઓમાં ફરતા મંત્રીઓને "૧૦૮માં ઘાલવાના" તેમજ મંત્રીઓ અને ધારાસભ્યોના ઝભ્ભા ફરજિયાત કાઢવાની વાત કરતા તેમનું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જેતપર ખાતે ચાલતા ખેડૂત આંદોલન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત ૧૨ જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાઈ હતી. ઉપવાસી છાવણીમાં ખેડૂતો દ્વારા વળતર અંગે પોતાના પ્રશ્નો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે રાકેશ અમૃતિયાએ છેલ્લા ઘણા દિવસોથી આંદોલનને મળેલા સહકાર બદલ ખેડૂતોનો આભાર વ્યક્ત કર્યો હતો. આભારવિધિ દરમિયાન જ રાકેશ અમૃતિયાએ પોતાના ભાષણમાં કહ્યું કે હવે આંદોલનનો ત્રીજો તબક્કો નહીં પરંતુ સીધો ચોથો તબક્કો શરૂ કરવાનો સમય આવી ગયો છે.
12 જિલ્લાના ખેડૂતો એક મંચ પર
જેતપર ખાતે યોજાયેલી ઉપવાસી છાવણીની બેઠકમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, નર્મદા, સાબરકાંઠા સહિત ૧૨ જિલ્લાના ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં રાજસ્થાનની જેમ ચાર ગણા વળતરની માંગને મજબૂત સમર્થન મળ્યું હતું. ખેડૂતોએ સરકાર સમક્ષ યોગ્ય વળતર અને જમીન હિતોના પ્રશ્ને એકજુથ રહી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
રાકેશ અમૃતિયાના નિવેદનથી રાજકીય ચર્ચા
આંદોલનના અંતે રાકેશ અમૃતિયાએ સરકાર અને મંત્રીઓ સામે આક્રમક ભાષાનો ઉપયોગ કરતા જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. તેમના "મંત્રીઓને ૧૦૮માં ઘાલવાના" અને "ધારાસભ્યોના ઝભ્ભા ફાડવાના" જેવા નિવેદનો બાદ સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવાના સંકેતો જોવા મળી રહ્યા છે.
-