Loading Please Wait !!!
મોરબીના જેતપરના ખેડૂતોનું રણશિંગું: વીજ પોલના વળતર મુદ્દે આમરણાંત ઉપવાસ

  • ખાનગી કંપનીની જોહુકમી સામે મહંત સહિત 4 વ્યક્તિ આંદોલન પર, ‘સરદારના માર્ગે’ જવાની ચીમકી
  • તંત્રની ઉદાસીનતા સામે ગામમાં રેલી, ‘જમીન ગામની, નથી કોઈના બાપની’ નારા સાથે સૂત્રોચ્ચાર
  • ટેલિગ્રાફ એક્ટ મુજબ વળતર અને ભાડાની માગ, આંદોલનમાં સંતો-મહંતોનું સમર્થન

સિટી ન્યુઝ @ મોરબી

મોરબી તાલુકાના જેતપર ગામે ખેડૂતોનો ખાનગી વીજ કંપની સામેનો આક્રોશ આજે ચરમસીમાએ પહોંચ્યો છે. ખેતરોમાં સંમતિ વિના અને પૂરતા વળતર ચૂકવ્યા વગર વીજ પોલ ઊભા કરવાની કામગીરીના વિરોધમાં ગામના ત્રણ ખેડૂતો અને એક મંદિરના મહંતે આજથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે. આંદોલનકારી ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ આગામી સમયમાં 'સરદારના માર્ગે' જઈને ઉગ્ર આંદોલન કરશે.

આ આંદોલનની શરૂઆત જેતપરના રામજી મંદિરથી ઉપવાસી છાવણી સુધીની એક ભવ્ય રેલી સાથે કરવામાં આવી હતી, જેમાં સમગ્ર ગામ "જય જવાન, જય કિસાન" અને "જમીન ગામની, નથી કોઈના બાપની" જેવા નારાઓ સાથે જોડાયું હતું. આ અગાઉ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ગામમાં એક સપ્તાહ સુધી પ્રતિક ઉપવાસ કર્યા હતા, પરંતુ તંત્ર કે કંપની દ્વારા કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે ખેડૂતોએ આમરણાંત ઉપવાસનું હથિયાર ઉગામ્યું છે.

ખેડૂતોની મુખ્ય માગ છે કે, ટેલિગ્રાફ એક્ટના નિયમો મુજબ તેમને પૂરતું વળતર ચૂકવવામાં આવે અને જમીન વપરાશના બદલામાં માસિક ભાડું આપવામાં આવે. આ આંદોલનને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાનું પણ સમર્થન મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ લડાઈ સરકાર સામે નહીં, પરંતુ ખાનગી કંપનીની અન્યાયી નીતિ સામે છે. હાલમાં જેતપર ગામે ખેડૂતોનો રોષ અને કંપનીની જોહુકમી વચ્ચે વાતાવરણ તંગ બની ગયું છે.

આંદોલનની મુખ્ય માંગણીઓ

  • વળતર: ટેલિગ્રાફ એક્ટ મુજબ વીજ પોલ માટે પૂરતું વળતર ચૂકવવામાં આવે.

  • ભાડું: જમીનના વપરાશ બદલ કંપની દ્વારા ખેડૂતોને માસિક ભાડું આપવામાં આવે.

  • ન્યાય: ખેડૂતોની સંમતિ વિના અને પાયાની સુવિધાઓ વગર કામગીરી ન કરવા બાબતે કંપનીની મનમાની બંધ કરવામાં આવે.

  • સંકલ્પ: માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીને આમરણાંત ઉપવાસ ચાલુ રહેશે.