વળતર ન મળતા ખેડૂતો ભડક્યા: 'કામ બંધ કરાવી શક્યા નથી એટલે ધારાસભ્ય ભાગ્યા'
- ખેડૂતોની મંજૂરી વગર ખેતરના તાળા તોડનારા કંપનીના અધિકારીઓ સામે ભારે આક્રોશ
- થાંભલા દીઠ 2 કરોડનું વળતર અથવા બજાર કિંમત કરતા 4 ગણા પૈસાની ખેડૂતોની માંગ
- ખેડૂતોએ ધારાસભ્યને ઘેર્યા, જનપ્રતિનિધિઓને ડેમેજ કંટ્રોલ કરવામાં પરસેવો છૂટ્યો
સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો અને ધારાસભ્ય વચ્ચે યોજાયેલી બેઠક દરમિયાન ભારે હોબાળો મચી ગયો હતો. ખેડૂતો છેલ્લા 1 મહિનાથી વળતર અને વીજ કંપનીની મનમાનીને લઈને લડત ચલાવી રહ્યા છે છતાં કોઈ સાંભળતું ન હોવાથી બેઠકમાં તેમનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે મામલો થાળે પાડવા માટે તાત્કાલિક પોલીસને પણ ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું. ખેડૂત આગેવાન શક્તિસિંહ ઝાલાએ જાહેરમાં ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો ઉધડો લેતા કહ્યું હતું કે, "ખેડૂતોના સવાલો સામે ધારાસભ્ય તાત્કાલિક કામ બંધ કરાવી શક્યા નથી, જેથી તેઓ ત્યાંથી ઉભી પૂંછડીએ ભાગ્યા છે."
ખેડૂત આગેવાન મેહુલસિંહ ઝાલાએ આક્રોશ સાથે અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આવનારી 30 જૂનના રોજ તેઓ ‘રસ્તા રોકો આંદોલન’ કરશે અને ત્યાર બાદ ‘ભૂખ હડતાલ’ પર ઉતરશે. ખેડૂતોની મુખ્ય માંગણી જમીનનું યોગ્ય વળતર મેળવવાની છે. ખેડૂતોએ સરકાર સમક્ષ 3 વિકલ્પ મૂક્યા છે જેમાં થાંભલા દીઠ યોગ્ય ભાડું, 2 કરોડ રૂપિયાનું વળતર અથવા તો સરકારી જંત્રીને બદલે જમીનની વર્તમાન બજાર કિંમત પ્રમાણે 4 ગણું વળતર આપવાની સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે.
ખેડૂતોના ભારે વિરોધનો સામનો કરી રહેલા ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ ડેમેજ કંટ્રોલ કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોનો ગુસ્સો સદ્દતર સાચો છે કારણ કે જ્યારે જમીનમાંથી વીજલાઇન પસાર થાય છે ત્યારે તેની કિંમત 100 ટકા ઘટી જાય છે. કંપનીઓ પોતાના નફા માટે ખેડૂતોના ભોગે વિકાસ ન કરી શકે. ધારાસભ્યએ ખેડૂતોના પ્રતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રૂબરૂ મળી રજૂઆત કરવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે આ આખા ગુજરાતનો પ્રશ્ન હોવાથી સરકાર નવી પોલિસી બનાવી રહી છે અને ખેડૂતોને ટૂંક સમયમાં પૂરો ન્યાય મળશે.
વિકાસના નામે ખેડૂતોને નુકસાન શા માટે?
હાઇવે કે કેનાલ બનવાથી ખેડૂતોની જમીનના ભાવ વધે છે અને સીધો ફાયદો થાય છે. પરંતુ હાઈ ટેન્શન પાવર ગ્રીડ લાઈન નાખવાથી જમીનની કિંમત સાવ તળિયે બેસી જાય છે અને ખેતીમાં મોટું નુકસાન થાય છે. ખાનગી કંપનીઓ કરોડોનો નફો કમાય છે અને ખેડૂતોને પૂરતું વળતર સુધ્ધાં આપતી નથી. વિકાસ જરૂરી છે, પરંતુ તે ખેડૂતોને પાયમાલ કરીને ક્યારેય ન થઈ શકે. સરકારે તાત્કાલિક નવી વળતર નીતિ જાહેર કરવી જોઈએ.