મોરબીમાં ખેડૂતોનું આંદોલન તેજ: વળતર નીતિ સામે જંગ
- 1500થી વધુ ખેડૂતોની રેલી, સરકારને આપી 3 માંગણી
- 365 ગ્રામ પંચાયતોના સમર્થન સાથે કલેક્ટરને અપાયું આવેદનપત્ર
- આંદોલન પાર્ટ-3 અંતર્ગત મોરબીમાં કલેક્ટર કચેરી સુધી પદયાત્રા
સિટી ન્યુઝ @ મોરબી
ગુજરાતમાં ખાનગી કંપનીઓના વીજપોલ અને કોરિડોર માટે સરકારે જાહેર કરેલી નવી વળતર નીતિ સામે ખેડૂતોનો અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. 'આંદોલન પાર્ટ-3' અંતર્ગત આજે મોરબીમાં મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં 1200 થી 1500 જેટલા ખેડૂતો અને મહિલાઓ જોડાયા હતા. ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ કરી કલેક્ટર મારફતે સરકારને પોતાની માંગણીઓનું આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ખેડૂત આગેવાન નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તા. 4/7/2026 ના રોજ જાહેર થયેલ પરિપત્ર ખેડૂતોના હિતમાં નથી. આથી, સરકારને ત્રણ વિકલ્પો આપવામાં આવ્યા છે: પ્રથમ, ટાવર બેઝ માટે બજાર કિંમતના 400 ટકા અને કોરિડોર માટે 260 ટકા વળતર આપવું. બીજો વિકલ્પ, 2013 ના જમીન સંપાદન કાયદા મુજબ ચારગણું વળતર આપવું. ત્રીજો વિકલ્પ, 2006 ના લાયસન્સી રૂલ મુજબ ટાવર અને કોરિડોર માટે ખેડૂત અને કંપની વચ્ચે ભાડું નક્કી કરી વાર્ષિક કે માસિક ધોરણે ચુકવણી કરવી.
આંદોલનકારીઓએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ માંગણીઓ નહીં સ્વીકારે, તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને સાથે રાખીને આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. અગાઉ જેતપર ગામે 19 દિવસ સુધી ચાલેલા આમરણાંત ઉપવાસ બાદ સરકાર દ્વારા જે નવી નીતિ જાહેર કરવામાં આવી હતી તે ખેડૂતોને મંજૂર નથી. ખેડૂતોએ હવે 2027ની ચૂંટણીમાં સરકારને ઉખેડી નાખવાની ચીમકી સાથે પોતાની આર્થિક સુરક્ષા માટે લડત ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.