Loading Please Wait !!!
જામનગર DRDA ઓફિસમાં આગનો ભડકો: શોર્ટ સર્કિટથી પંખો સળગતા દોડધામ

  • ફાયર વિભાગની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી, સરકારી દસ્તાવેજો સુરક્ષિત
  • વોલ ફેન સળગ્યા બાદ આગ ફેલાઈ, સમયસર કાબૂ મેળવી લેતા મોટી આફત ટળી
  • કલેક્ટર આવાસની નીચે આવેલી ઓફિસમાં લાગેલી આગથી સર્જાયા ચિંતાજનક દ્રશ્યો

સિટી ન્યૂઝ @ જામનગર

જામનગરના લાલ બંગલા સ્થિત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી (DRDA)ની ઓફિસમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાની ઘટના સામે આવી છે. ઓફિસમાં લાગેલો વોલ ફેન અચાનક શોર્ટ સર્કિટ થતાં સળગી ઉઠ્યો હતો અને તે નીચે પડેલી ખુરશી પર પડતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાના પગલે ઓફિસમાં ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતા કર્મચારીઓમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી.

સદનસીબે, ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ સમયસૂચકતા વાપરી સળગતા પંખા અને ખુરશીને બહાર કાઢી આગ પર ગણતરીની મિનિટોમાં જ કાબૂ મેળવી લીધો હતો. આ ઓફિસમાં મહત્વના સરકારી દસ્તાવેજો, લાકડાનું ફર્નિચર અને અન્ય કિંમતી સામગ્રી રાખવામાં આવી હતી. વધુમાં, ઓફિસની ઉપર જિલ્લા કલેક્ટરનું સરકારી નિવાસસ્થાન આવેલું હોવાથી જો આગ વધુ પ્રસરી હોત તો ગંભીર નુકસાન થઈ શક્યું હોત.

સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું બહાર આવ્યું છે. ઓફિસમાં રાખેલા મહત્વના દસ્તાવેજોને પણ કોઈ મોટું નુકસાન થયું નથી. હાલમાં ઓફિસમાં સ્થિતિ સામાન્ય છે, પરંતુ આ ઘટનાને પગલે સરકારી કચેરીઓમાં ઈલેક્ટ્રિક ઉપકરણોની સુરક્ષા અને જાળવણી અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે.