જૂનાગઢમાં મેઘરાજાની એન્ટ્રી સાથે પાલિકાની પોલ ખુલ્લી: રસ્તાઓ બન્યા નદી
- માત્ર 2 ઈંચ વરસાદમાં જ પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાઈ ગયા
- ગોઠણસમા પાણીમાં વાહનો બંધ, ગટરના ગંદા પાણી રસ્તા પર ઉભરાયા
- વહીવટી તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ: રોગચાળાનો ભય ફેલાયો
સિટી ન્યૂઝ @ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં લાંબા વિરામ બાદ પડેલા માત્ર 2 ઈંચ વરસાદે મહાનગરપાલિકાના લાખો-કરોડો રૂપિયાના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની હવા કાઢી નાખી છે. પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અટવાયા હતા. ખાસ કરીને શાંતિસ્વરૂપ જેવા વ્યસ્ત વિસ્તારોમાં ગટર લાઈનો ચોકઅપ થઈ જતાં ગંદા પાણી રસ્તા પર ઉભરાયા હતા, જેનાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિકોને સતાવી રહી છે.
વહીવટી તંત્રની ઘોર બેદરકારીના કારણે શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો પર હજુ પણ અધૂરા કામો ચાલુ હોવાથી લોકોની હાલાકીમાં વધારો થયો છે. કાદવ-કીચડથી ખદબદતા રસ્તાઓ પરથી પસાર થવું રાહદારીઓ અને વાહનચાલકો માટે જોખમી બની ગયું છે. લોકોમાં એવો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે કે, વિકાસના નામે થયેલી ગટર વ્યવસ્થા માત્ર સરકારી કાગળ પર જ મજબૂત છે, જમીની હકીકત તો પ્રથમ વરસાદે જ દર્શાવી દીધી છે.
તંત્રની આ અણઆવડતના કારણે દુર્ગંધયુક્ત વાતાવરણ અને ભરાયેલા પાણીથી શહેરનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે. એક તરફ વરસાદનો આનંદ છે, તો બીજી તરફ તંત્રની નિષ્ફળતાની આ તસવીરોએ લોકોનો ઉત્સાહ ઓસરી નાખ્યો છે. મહાનગરપાલિકાના વોટર વર્ક્સ શાખાની બેદરકારી સામે હવે લોકો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.
પ્રિ-મોન્સૂન પ્લાનની નિષ્ફળતા
કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલી પ્રિ-મોન્સૂન કામગીરી અને ગટર સફાઈના દાવાઓ માત્ર પ્રથમ સામાન્ય વરસાદમાં જ પોકળ સાબિત થયા છે. અધૂરા રોડ-રસ્તા અને ઉભરાતી ગટરો એ તંત્રના નબળા આયોજનનું પરિણામ છે. જ્યારે શહેર ચોમાસા માટે તૈયાર હોવાનો દાવો કરવામાં આવતો હતો, ત્યારે વાસ્તવિકતા કાંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે. હવે પાલિકા તંત્ર આ પરિસ્થિતિને સુધારવા માટે કયા પગલાં લે છે તે જોવું રહ્યું.