અપ્રમાણસર મિલકત કેસમાં કેતકી વ્યાસ પર ACB નો સકંજો
-
અમદાવાદના શેલા વિસ્તારમાંથી બહેનના ઘરેથી ઝડપાયા
-
માતાપિતા કર્મકાંડ કરતા હોવા છતાં કરોડોના આસામી બતાવ્યા
-
અમદાવાદમાં બોડકદેવના ફ્લેટ સહિત કરોડોના બંગલા મળી આવ્યા
સિટી ન્યુઝ @ અમદાવાદ
આણંદના તત્કાલીન કલેક્ટરના હનીટ્રેપ કેસથી વિવાદમાં આવેલા પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર (RAC) કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. હનીટ્રેપ કેસ બાદ મહિલા અધિકારીની મિલકતની તપાસ કરાતા આવક કરતા ₹3.56 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવતા એસીબીએ ગુનો નોંધ્યો હતો. જામીન અરજી રદ થયા બાદ તેઓ ફરાર હતા, જેથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચની મદદથી શેલામાં બહેનના ઘરેથી તેમની અટકાયત કરાઈ છે.
એસીબીની તપાસમાં ખુલાસો થયો છે કે કેતકી વ્યાસે પોતાની મોટાભાગની બેનામી મિલકતો વિરમગામમાં રહેતા પોતાના માતાપિતાના નામે વસાવી હતી. તેમના પિતા કર્મકાંડ અને બુકસ્ટોલના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં તેમના નામે કરોડો રૂપિયાના બે આલિશાન ફ્લેટ, બંગલો અને 24 થી વધુ બેંક એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. તેમના પતિ ભાસ્કર વ્યાસ પણ પોલીસ વિભાગમાં છે અને પોરબંદરમાં DySP તરીકે ફરજ બજાવે છે.
કેતકી વ્યાસે વર્ષ 2001માં ચીફ ઓફિસર તરીકે સરકારી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ મામલતદાર અને પ્રમોશન મેળવી એડિશનલ કલેક્ટર સુધી પહોંચ્યા હતા. સેવા દરમિયાન તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને જમીન, મકાન અને વાહનોનું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. વર્ષ 2023 માં તેમની સામે અપ્રમાણસર મિલકતો અંગે એસીબીમાં અરજી થઈ હતી, જેના આધારે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.
અગાઉ ઓગસ્ટ 2023 માં આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવીને હનીટ્રેપમાં ફસાવીને વિવાદિત જમીનોની ફાઇલો ક્લિયર કરાવવાનું કાવતરું રચવા બદલ પણ કેતકી વ્યાસ સામે ગુનો નોંધાયો હતો. કલેક્ટર ઓફિસમાં સ્પાય કેમેરા ગોઠવી વીડિયો બનાવવાના આ ચર્ચિત કેસમાં ધરપકડ બાદ રાજ્ય સરકારે તેમને નિયમ મુજબ સસ્પેન્ડ કરી દીધા હતા.
હાલમાં એસીબીની ટીમે કેતકી વ્યાસને સાથે રાખીને અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા તેમના શિવાલિક લીગાન્સી ફ્લેટ સહિત અન્ય મિલકતો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. એસીબી દ્વારા તેમની બેનામી સંપત્તિ, બેંક ખાતાઓ અને રોકાણો અંગે વધુ કડક પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
અપ્રમાણસર મિલકત કેસમાં પૂર્વ RAC કેતકી વ્યાસ જેલભેગા
આણંદના પૂર્વ રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસની આવક કરતા ₹3.56 કરોડ વધુ મિલકત વસાવવા બદલ એસીબીએ અમદાવાદના શેલાથી ધરપકડ કરી છે. તેમણે પોતાની મોટાભાગની બેનામી સંપત્તિ કર્મકાંડ કરતા માતાપિતાના નામે વસાવી હતી. અમદાવાદમાં કરોડોના ફ્લેટ અને 24 બેંક ખાતાઓ ધરાવતા કેતકી વ્યાસ અગાઉ આણંદ કલેક્ટર હનીટ્રેપ કાંડમાં પણ સસ્પેન્ડ થઈ ચૂક્યા છે.