Loading Please Wait !!!
ગાંધીનગરમાં વિદેશી દારૂના કટિંગ પર પોલીસનો ત્રાટક: 4 બુટલેગર ઝબ્બે, 9.52 લાખનો મુદ્દામાલ જપ્ત

  • પેથાપુર પોલીસની સફળ કામગીરી, બે લક્ઝુરિયસ ગાડીઓ સાથે 1337 બોટલ દારૂ જપ્ત કરાયો
  • ખુલ્લા ચરામાં ચાલતા કટિંગનો પર્દાફાશ, રાજસ્થાનના બુટલેગરો સહિત 4 ની ધરપકડ
  • એસ-ક્રોસ અને બ્રેઝા ગાડીઓ જપ્ત, પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર તાલુકાના કોલવડા-પુન્દ્રાસણ રોડ પર ગરનાળા પાસેના ચરામાં ચાલતા વિદેશી દારૂના કટિંગ પર પેથાપુર પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી 4 બુટલેગરોને અઢી લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ અને બે કાર મળીને કુલ રૂ. 9.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. જોકે, દરોડા દરમિયાન બ્રેઝા ગાડીમાંથી ઉતરીને એક અજાણ્યો બુટલેગર ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો.

પોલીસ ટીમ કોલવડા ગામ નજીક પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, બે વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસે સ્થળ પર પહોંચી ઘેરાબંધી કરીને રાજસ્થાનના પવનકુમાર ગુર્જર, ક્રિશનકુમાર ગુર્જર, વિજેન્દ્રકુમાર કસાના અને કોલવડાના અક્ષય નાથબાવાની ધરપકડ કરી હતી. સ્થળ પરથી સુઝુકી એસ-ક્રોસ અને બ્રેઝા ગાડીઓમાંથી વિવિધ બ્રાન્ડની 1337 નાની-મોટી કાચ અને પ્લાસ્ટિકની બોટલો જપ્ત કરવામાં આવી હતી.

પેથાપુર પીઆઈ અંકુર દેસાઈના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 2,52,430 આંકવામાં આવી છે. પકડાયેલા ચારેય આરોપીઓ તેમજ ભાગી છૂટેલા અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ હવે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સ્થાનિક કક્ષાએ કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ ચલાવી રહી છે.