માંગરોળમાં શિક્ષણના ધામ પર ભૂમાફિયાઓનો કબ્જો, તંત્રની ઘોર બેદરકારી
- કિંમતી સરકારી જમીન પર નાળિયેરીના બગીચા બનાવી લાખોની કાળી કમાણી શરૂ
- ધારાસભ્ય અને જાગૃત નાગરિકે 36 વીઘા જમીન પર પેશકદમીના ગંભીર આક્ષેપો કર્યા
- કિંમતી ફર્નિચર ચોરાયું અને ઈમારતો ખંડેર બની, ભૂમાફિયાઓએ બગીચાઓ ઉભા કર્યા
સિટી ન્યુઝ @ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાંથી શૈક્ષણિક જમીન પચાવી પાડવાનો અને સરકારી તંત્રની ઘોર બેદરકારીનો 1 અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષ 1967 માં રાજ્ય સરકાર દ્વારા માંગરોળ તાલુકાના શૈક્ષણિક ઉત્કર્ષ અને વિકાસ માટે કેળવણી વિભાગને 'દાતાર મંઝીલ' બંગલા સહિત આશરે 36 વીઘા જેટલી અત્યંત કિંમતી જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન પર બી.એડ. અને સીપીએડ જેવી રોજગારલક્ષી કોલેજો શરૂ કરવાનો ઉદ્દેશ્ય હતો, પરંતુ સરકારી બાબુઓની ઉદાસીનતા અને બેદરકારીને કારણે કોલેજો બંધ થઈ ગઈ અને હાલ આ પવિત્ર ભૂમિ પર ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દીધો છે.
કોલેજો બંધ થતાંની સાથે જ સ્થાનિક ભૂમાફિયાઓએ આ આખા શૈક્ષણિક કેમ્પસ પર બેફામ દબાણો શરૂ કરી દીધા હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક જાગૃત નાગરિક મહાવીરસિંહ ચુડાસમા અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા કરવામાં આવ્યા છે. જે જમીન પર ક્યારેક વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવતા હતા ત્યાં આજે ગેરકાયદેસર નાળિયેરીના બગીચાઓ લહેરાઈ રહ્યા છે અને ભૂમાફિયાઓ દર વર્ષે લાખો રૂપિયાની કાળી કમાણી કરી રહ્યા છે. જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ કોલેજનું કિંમતી ફર્નિચર ચોરાઈ ગયું છે અને ઈમારતો સંપૂર્ણપણે જર્જરિત થઈ ગઈ છે.
આ મામલે તંત્રની બેદરકારી છતી થતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. જૂનાગઢ DLR કચેરીના પત્ર છતાં મામલતદાર કચેરીએ જમીન માપણીની ફી ન ભરી અને હવે પોતાની નબળાઈ છુપાવવા આ જમીન કેળવણી વિભાગ પાસેથી પરત લઈને સરકાર હસ્તક કરવા કલેક્ટરને દરખાસ્ત મોકલી છે. ધારાસભ્યએ જિલ્લા સંકલન સમિતિમાં પ્રશ્ન ઉઠાવતા માંગરોળ મામલતદાર વી.ડી. મોરીએ જણાવ્યું છે કે હાલમાં તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં જ સંબંધિત વિભાગો દ્વારા તમામ ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરાવીને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
શૈક્ષણિક હેતુ જાળવી રાખવાની પ્રબળ માંગ
માંગરોળ તાલુકામાં હાલમાં એકપણ બી.એડ. કે સીપીએડ કોલેજ કાર્યરત નથી, જેના કારણે સ્થાનિક અને ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સ્થાનિક નાગરિકોની સ્પષ્ટ અને ઉગ્ર માંગ છે કે સરકાર આ કિંમતી જમીનનો હેતુ ફેર ન કરે અને શરત ભંગના નામે જમીન છીનવી લેવાને બદલે તેને શૈક્ષણિક સંસ્થા માટે જ અનામત રાખે. આ પવિત્ર ભૂમિને ભૂમાફિયાઓના કબ્જામાંથી સંપૂર્ણ મુક્ત કરાવીને અહીં ફરીથી નવી કોલેજનું નિર્માણ કરવામાં આવે તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે.