રક્ષાબંધને ખંડગ્રાસ ચંદ્રગ્રહણ, ભારતમાં અવકાશી નજારો જોવા નહીં મળે
ચંદ્રનો 90 ટકા ભાગ ઢંકાશે, અમેરિકા-યુરોપ-આફ્રિકામાં અદભુત નજારો; વિજ્ઞાન જથા રાજયભરમાં વૈજ્ઞાનિક સમજ આપશે
સિટી ન્યૂઝ @રાજકોટ
વર્ષ ૨૦૨૬નું આખરી ખંડગ્રાસ ચંદ્રગ્રહણ રક્ષાબંધનના દિવસે એટલે કે તા. ૨૮ ઓગસ્ટ, શુક્રવારે થવાનું છે. ભારતમાં આ ખ્યોગીય ઘટના જોવા મળશે નહીં, જ્યારે અમેરિકા, યુરોપ અને આફ્રિકાના વિવિધ વિસ્તારોમાં ચંદ્રનો આશરે ૬૦ ટકા ભાગ પૃથ્વીના પડછાયાથી ઢંકાય જશે. આ દરમિયાન ચંદ્રની વિવિધ કળાઓનો અદભુત અવકાશી નજારો જોવા મળશે.
સંવત ૨૦૨૮ શ્રાવણ સુદ પૂનમના દિવસે કુંભ રાશિ અને શતભિષા નક્ષત્રમાં ધનારું આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પૂર્વાંચ પેસિફિક, અમેરિકા, યુરોપ અને આફ્રિકાના પ્રદેશોમાં દેખાશે. ગ્રહણ દરમિયાન ચંદ્રના બદલાતા સ્વરૂપને નિહાળવા ખગોળપ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ગ્રહણના તબક્કાઓની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પણ કરી શકાશે.
આ ગ્રહણનો ભૂમંડળે સ્પર્શ ૦૫ કલાક ૫૨ મિનિટ, ગ્રહણ મધ્ય ૦૯ કલાક ૪૨ મિનિટ અને ગ્રહણ મોક્ષ ૧૨ કલાક ૩૨ મિનિટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગ્રહણનું ગ્રાસમાન ૦.૬૩ જ્યારે ઉપછાયા ગ્રાસમાન ૧.૬૭૪૪ રહેશે. ઉપછાયા ગ્રહણનો કુલ સમય ૫ કલાક ૩૭ મિનિટ ૫૧ સેકન્ડ અને ગ્રહણનો કુલ સમય ૩ કલાક ૧૮ મિનિટ ૧૩ સેકન્ડ રહેશે.
આ ગ્રહણ પૂર્વિચ પેસિફિક મહાસાગર ઉપરાંત હડસન બે, લેબ્રેડોર સમુદ્ર, ગ્રીનલેન્ડ સમુદ્ર, ઉત્તર એટલાન્ટિક, દક્ષિણ એટલાન્ટિક, વેડેલ સમુદ્ર, અમુન્ડસેન સમુદ્ર અને એન્ટાર્કટિકા સર્કલના વિસ્તારોમાં પણ જોવા મળવાનો ઉલ્લેખ છે.
ગ્રહણથી માનવજીવન પર કોઈ અસર નહીં
ભારત જન વિજ્ઞાન જથાના રાજ્ય ચેરમેન એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ એક કુદરતી અને ખગોલીય ઘટના છે અને તેની માનવજીવન પર કોઈ અસર થતી નથી. ગ્રહણને લઈને પ્રચલિત સૂતક, વેધ સહિતના નિયમોને વૈજ્ઞાનિક આધાર વિનાના ગણાવી લોકોને અંધશ્રદ્ધાથી દૂર રહેવા અપિલ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હજારો સૂર્ય અને ચંદ્રગ્રહણો પૃથ્વી પરથી પસાર થઈ ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ આવી ખગોલીય ઘટનાઓ બનતી રહેશે. ગ્રહણના શુભ-અશુભ પરિણામો, હોની-અહોની, રાશિ પર અસર કે અન્ય માન્યતાઓ અંગે વૈજ્ઞાનિક પુરાવા નથી. આવી ઘટનાઓ ને વૈજ્ઞાનિક દષ્ટિકોણથી સમજવાની જરૂર છે.
રાજયભરમાં વૈજ્ઞાનિક સમજના કાર્યક્રમો
ભારત જન વિજ્ઞાન જથા દ્વારા ગુજરાતભરમાં ચંદ્રગ્રહણ અંગે વૈજ્ઞાનિક સમજ આપવાનું અભિયાન હાથ ધરમાં આવ્યું છે. અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, પાલનપુર, વાવ-થરાદ, ખેડા, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, વાપી, સાબરકાંઠા, હિંમતનગર, રાજપીપળા, ડાંગ-આહવા, છોટા ઉદેપુર, ગોધરા, પંચમહાલ, મોડાસા, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ-ભુજ અને ગાંધીધામ સહિતના વિસ્તારમાં કાર્યક્રમો યોજાશે. જાથાના જયંત પંડ્યાના વડપણ હેઠળ રોમિત રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રામભાઈ આહિર, દિનેશ હુંબલ, નિર્મલ મૈત્રા, અંકલેશ ગોહિલ, રાજુભાઈ યાદવ, વિનોદ વાગજા, રવિ પરબતાણી, સાહિલ રાજદેવ, ભક્તિબેન રાજગોર અને ભાનુબેન શેઠીયા સહિતના કાર્યકરો ગ્રહણ અંગેની વૈજ્ઞાનિક સમજના કાર્યક્રમોમાં જોડાશે.